Virat Kohliની મદદ પછી આ ભારતીય ટેનિસ પ્લેયરે મેલબર્નમાં મેળવી રમેશ ક્રિષ્નન જેવી વિરલ સિદ્ધિ
મેલબર્ન: હરિયાણામાં જન્મેલા 26 વર્ષના ટેનિસ ખેલાડી સુમિત નાગલની મેન્સ ટેનિસમાં છેક 139મી રૅન્ક છે, પણ મંગળવારે તેણે મેલબર્નમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે કઈ સિદ્ધિ મેળવી એની વાત તો આપણે જાણીશું જ, પરંતુ એ હાંસલ કરવામાં તેને વર્તમાન ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીની મદદ મળી એ વાત પણ જાણવા જેવી છે. વાત એવી છે કે મેલબર્નમાં ચાલી રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં સુમિત નાગલ સિંગલ્સનો પ્રથમ રાઉન્ડ જીત્યો હતો.
આ રાઉન્ડ તો પહેલો હતો, પણ તેની ઉપલબ્ધિ એ છે કે તેણે એમાં ક્રમાંકિત (સીડેડ) ખેલાડીને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સુમિત નાગલ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનાર ભારતીય ટેનિસ-લેજન્ડ રમેશ ક્રિષ્નન પછીનો પ્રથમ ભારતીય ખેલાડી છે. ક્રિષ્નને 1989ની સાલમાં આ સિદ્ધિ મેળવી હતી. સુમિતે મંગળવારે વિશ્ર્વમાં 27મો ક્રમ અને આ ટુર્નામેન્ટમાં 31મો ક્રમ ધરાવનાર કઝાખસ્તાનના ઍલેક્ઝાંડર ‘સશા’ બુબ્લિકને 6-4, 6-2, 7-6 (7-5)થી હરાવીને સેક્ધડ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. સુમિતે બીજા યુવાન ભારતીય ખેલાડી સોમદેવ દેવવર્મનની બરાબરી પણ કરી છે. 2013માં સોમદેવ ઑસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સની મૅચ જીત્યો ત્યાર પછી ભારતીયોમાં છેક સુમિતે એ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
હવે સુમિતને કોહલીની મદદ કઈ રીતે મળી એ જાણીએ. ખુદ સુમિતે જ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘હું વિરાટ કોહલી અને તેના ફાઉન્ડેશનની મદદ વગર આ સિદ્ધિ સુધી ન પહોંચી શક્યો હોત. મને 2017ની સાલથી કોહલીની સંસ્થાનો સપોર્ટ મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે મારા ખિસ્સામાં માત્ર 6 ડૉલર હતા. છેલ્લા બે વર્ષથી હું સારું પર્ફોર્મ પણ નહોતો કરી રહ્યો અને ખરાબ આર્થિક હાલતમાં ઘેરાયો હતો, પરંતુ કોહલીનું ફાઉન્ડેશન મારી વહારે આવ્યું. જો એની મદદ ન મળી હોત તો કોણ જાણે હું અત્યારે ટેનિસમાં ક્યાં હોત. મારું માનવું છે કે જો આશાસ્પદ ઍથ્લીટો અને ખેલાડીઓને ફંડ મળતું રહે તો દેશમાં ખેલકૂદ ક્ષેત્ર વિકાસ પામે. મને વિરાટનો સપોર્ટ મળ્યો એ બદલ પોતાને ભાગ્યશાળી માનું છું.’