ગઈકાલની મેચમાં Virat Kohliએ એવું તે શું કર્યું કે ICCને બુમરાહની યાદ આવી ગઈ?
ગઈકાલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતે અફઘાનિસ્તાનની સામે રમાયેલી ત્રીજી અને અંતિમ T-20 સીરિઝમાં બે સુપર ઓવર બાદ ઐતિહાસિક જીત હાંસિલ કરીને અનેક વિક્રમો પોતાના નામે નોંધ્યા હતા.
ગઈકાલની આ મેચમાં કેપ્ટન રોહિત શર્માની અમ્પાયર વિરેન્દ્ર શર્મા સાથેનો એક મજેદાર સંવાદ સ્ટમ્પ માઈકમાં ઝીલાઈ ગયો હતો અને એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો તો દર મેચમાં કંઈકને કંઈક અલગ કે અનોખું કરીને લોકોને પોતાની નોંધ લેવાની ફરજ પાડતો કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલી કઈ રીતે પાછળ રહી જાય?
વિરાટ કોહલીએ ગઈકાલની ચાલુ મેચમાં કંઈક એવું કર્યું હતું કે જેને કારણે સોશિયલ મીડિયા પર તો તે વાઈરલ થઈ જ ગયો હતો પણ ખુદ ICCએ પણ એની નોંધ લીધી હતી અને ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને યાદ કર્યો હતો. આવો જોઈએ કોહલીએ એવું તે શું કર્યું કે લોકોને તેણે બુમરાહની યાદ અપાવી દીધી હતી. ત્રીજી T-20 મેચમાં વિરાટ કોહલી ભલે બેટિંગમાં ખાસ કઈ દેખાડી શક્યો નહોતો પણ તેણે ફિલ્ડિંગ દરમિયાન તેણે પોતાની જાન લગાવી દીધી હતી.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કોહલીએ નઝીબુલ્લાહ જાદરાનનો રનિંગ કેચ પકડ્યો હતો અને એની સાથે સાથે જ બાઉન્ડ્રી લાઈન પર કૂદકો લગાવીને પાંચ રન પણ બચાવ્યા હતા. જ્યારે કોહલીએ હવામાં કૂદકોમાં લગાવ્યો ત્યારે તેના ચહેરાના હાવભાવ જસપ્રિત બુમરાહના બોલિંગ એક્શન જેવા લાગી રહ્યા હતા.
ICCએ પણ કોહલીનો આ ફોટો શેર કરીને બુમરાહ સાથે કરી દીધી હતી અને આ ઘટના અફઘાનિસ્તાનની ઈનિંગની 17મી ઓવર દરમિયાન બની હતી. વોશિંગટન સુંદરના બોલ પર કરીમ જનતે લાંબો શોટ લગાવ્યો હતો. પણ વિરાટ કોહલીએ કૂદકો મારીને બોલને અંદરની દિશામાં ફેંક્યો હતો અને પાંચ રન બચાવી લીધા હતા.
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના પર જાત જાતની કમેન્ટ્સ અને લાઈક્સ કરી રહ્યા છે.