વેલકમ-બૅક વિરાટ…વન-ડે સિરીઝમાં આ કારણસર રમવા તૈયાર થયો…
નવી દિલ્હી: ટીમ સિલેક્શન અને કૅપ્ટન સિલેક્શનના મુદ્દે ભારતીય ક્રિકેટમાં છેલ્લા થોડા દિવસો કટોકટીના અને અટકળોભર્યા રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું એ સાથે તેમનું વેકેશન પણ શરૂ થઈ ગયું હતું.
જોકે તેમના આ વેકેશનના અરસામાં જ ગૌતમ ગંભીરને નવા હેડ-કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને હવે તો ગંભીરની પ્રથમ સિરીઝ (શ્રીલંકા ટૂર)નો સમય પણ નજીક આવી ગયો એટલે તેને પહેલી ટીમ કેવી મળશે એની ચર્ચાઓ થઈ રહી હતી.
શ્રીલંકા સામેની આ મહિનાની ટી-20 સિરીઝ બાદ બીજી ઑગસ્ટથી યોજાનારી વન-ડે સિરીઝમાં રોહિત અને કોહલી નહીં રમે એવી વાતો હતી, પરંતુ હવે સમાચાર મળ્યા છે કે તેઓ બન્ને રમવાના છે.
એક અખબારી અહેવાલ મુજબ રોહિત અને કોહલીએ શ્રીલંકા સામે બીજી ઑગસ્ટે શરૂ થનારી વન-ડે સિરીઝમાં પોતે રમશે એવી પુષ્ટિ બીસીસીઆઇને આપી દીધી છે.
આ પણ વાંચો: Mohammed Shami: મોહમ્મદ શમીએ નેટ પ્રેક્ટીસ શરુ કરી, આ સિરીઝથી ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે
કહેવાય છે કે રોહિતે વન-ડે સિરીઝમાં રમવાની તૈયારી થોડા દિવસ પહેલાં જ બતાવી દીધી હતી, જ્યારે લંડનના પ્રવાસે ગયેલા કોહલીએ એવું કહ્યું છે કે ગૌતમ ગંભીરની હેડ-કોચ તરીકે આ પહેલી જ સિરીઝ હોવાથી પોતે એમાં રમશે.
ગંભીર નૅશનલ ટીમમાં હતો ત્યારે રોહિત અને કોહલી તેની સાથે રમ્યા હતા.
ભૂતકાળમાં કોહલી-ગંભીર વચ્ચે મેદાન પર કેટલીક વાર ખટપટ થઈ હતી, પણ આ વર્ષની આઇપીએલમાં એક મૅચ દરમ્યાન તેઓ એકમેકને ભેટ્યા હતા, ઘણી વાતો કરી હતી અને તેમની વચ્ચે સુલેહ થઈ ગઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
ઉલ્લેખનીય છે કે વન-ડે સિરીઝમાં રોહિત શર્માને જ કૅપ્ટન્સી સોંપાશે, પણ એ પહેલાં શ્રીલંકા સામે રમાનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝની ટીમનું સુકાન હાર્દિક પંડ્યાને નહીં સોંપાય કારણકે તેના સંદર્ભમાં કેટલાક ફિટનેસના મુદ્દા હોવાથી તેને બદલે સૂર્યકુમારને ટી-20 ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવશે. સૂર્યાની ટીમમાં મિડલ-ઑર્ડરના બૅટર રિયાન પરાગને સ્થાન અપાશે એવી પાકી શક્યતા છે.