કોહલી લંડનમાં ભરપૂર પ્રૅક્ટિસ કરે છે, પણ બેંગલૂરુ ક્યારે આવશે?

લંડનઃ બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી (Virat kohli) ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી રિટાયર થઈ ગયો છે અને હવે ભારત વતી વન-ડે ફૉર્મેટમાં તેમ જ આઇપીએલમાં જ રમશે એટલે તે ઓછો ચર્ચામાં રહે છે, પરંતુ થોડા દિવસથી ફિટનેસ (Fitness) અને પ્રૅક્ટિસના મુદ્દે તેના નામે થોડીઘણી ચર્ચા થઈ રહી છે. તે લંડન (London)માં ભરપૂર પ્રૅક્ટિસ કરી રહ્યો છે અને ત્યાં જ ફિટનેસ પણ સુધારી રહ્યો છે. જોકે ફિટનેસ સંબંધિત બીસીસીઆઇના ફરજિયાત મૂલ્યાંકન માટે તે બેંગલૂરુ ક્યારે આવશે એની રાહ જોવાઈ રહી છે.
કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લાંબો બે્રક માણી રહ્યો છે. તે ઘણા દિવસથી પત્ની અનુષ્કા અને બે બાળકો વામિકા તથા અકાય સાથે લંડનમાં રહે છે. એવી ચર્ચા છે કે તેણે લંડનમાં આલીશાન ઘર ખરીદ્યું છે અને ભવિષ્યમાં પરિવાર સાથે ત્યાં જ રહેશે. ઘણી વાર તે પત્ની સાથે લંડનની માર્કેટમાં ફરતો હોય છે જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. કોહલી ભારત વતી છેલ્લે માર્ચ મહિનામાં યુએઇની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળ્યો હતો. એમાં ભારતે વિજેતાપદ મેળવ્યું હતું.
કોહલી ફરી ઑક્ટોબરમાં રમતો જોવા મળશે. 19મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયામાં ભારતની ઑસ્ટ્રેલિયનો સામે વન-ડે સિરીઝ શરૂ થશે જેમાં રોહિત શર્મા પણ રમતો જોવા મળશે. કહેવાય છે કે કોહલી ઑસ્ટ્રેલિયા એ' સામેની ઇન્ડિયા
એ’ની આગામી બિનસત્તાવાર વન-ડે શ્રેણીમાં રમશે. જોકે એ બાબતમાં કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે કોહલીએ લંડનમાં જ ફિટનેસ ટેસ્ટ આપી દીધી છે અને અસલ ફૉર્મ પાછું મેળવવા પ્રૅક્ટિસ પર બધું ધ્યાન આપી રહ્યો છે. તે લંડનમાં આઇકૉનિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સઘન પ્રૅક્ટિસ કરી રહ્યો છે. એને લગતા ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં તે ચાહકો સાથે થોડી ગપસપ કરતો તેમ જ નેટ બોલર્સ સાથે પણ પ્રૅક્ટિસ વિશે ચર્ચા કરી રહેલો જોવા મળે છે.