ઓસ્ટ્રેલિયા સામે મેચ પહેલા વિરાટે ટીકાકારોને આપ્યો સડસડતો જવાબ; X પર કરી આવી પોસ્ટ

મુંબઈ: ત્રણ ODI અને પાંચ T20I મેચની સિરીઝ રમવા ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી ચુકી છે. 19 ઓકટોબરે પહેલી ODI મેચ રમાશે, જેના માટે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુબ ઉત્સાહમાં છે, કેમ કે સ્ટાર બેટર વિરાટ કોહલીએ માર્ચ 2025 માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમતો જોવા મળશે. આ મેચના ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેની ચર્ચા થઇ રહી છે.
વિરાટે X પર પોસ્ટ કરીને લખ્યું, “તમે ખરેખર ત્યારે જ નિષ્ફળ જાઓ છો, જ્યારે તમે હાર માની લો છો.”
ટીકાકારોને જવાબ:
નોંધનીય છે કે વિરાટ ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે, હાલ તે માત્ર ODI ક્રિકેટ જ રમી રહ્યો છે, ચાહકો ઈચ્છી રહ્યા છે કે તે ODI વર્લ્ડ કપ 2025માં પણ રમે, એવામાં ઘણાં મહિનાઓથી એવી અટકળો લાગી રહી છે કે તે ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝ બાદ વિરાટ ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી શકે છે. ઘણા લોકો તેના ફોર્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કેટલાક એવી ટીકા કરી રહ્યા છે કે વિરાટને કારણે નવી પ્રતિભાઓને તક નથી મળી રહી. એવામાં વિરાટે આ પોસ્ટ કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.
વિરાટ ODI વર્લ્ડ કપ 2027 રમશે:
તાજેતરના અહેવાલો મુજબ વિરાટ ODI વર્લ્ડ કપ 2027માં રમવા ઈચ્છે છે અને તેના માટે અત્યારથી જ પ્રેક્ટીસ કરી રહ્યો છે, તે ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમવા પણ તૈયાર થયો છે, તે ક્રિકેટની રમત પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિરાટ પાસે ચાહકોને આશા:
વિરાટ છેલ્લે આ વર્ષે માર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી ODI ક્રિકેટ રમ્યો હતો, ટુર્નામેન્ટની પાંચ મેચમાં તેણે 218 રન બનાવ્યા હતા. તેણે પાકિસ્તાન સામે સદી ફરકારી હતી અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર 84 રન બનાવ્યા હતાં.
ઓસ્ટ્રેલિયામાં વિરાટનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલીયામાં રમેલી 29 ODI મેચમાં વિરાટે 51.03 ની એવરેજ અને 89 થી વધુની સ્ટ્રાઇક રેટથી 1,327 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલીયામાં તેનો બેસ્ટ ODI સ્કોર અણનમ 133 રહ્યો છે.
ઓસ્ટ્રેલીયા સામેની અગામી ODI સિરીઝમાં વિરાટ મોટી ઇનિંગ્સ રમે તેવી આશા છે.