રોહિત બાદ વિરાટ પણ લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ, BCCIને કરી જાણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું હોવાનું કહેવાય છે. આ અંગે તેણે બીસીસીઆઈ સાથે વાત પણ કરી છે. પરંતુ બોર્ડના કેટલાક ટોચના અધિકારીઓએ તેને ફરીથી આ નિર્ણય અંગે વિચારવા કહ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે, દિગ્ગજ બેટ્સમેને આ મુદ્દે બોર્ડને તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા માંગે છે તેમ જણાવી દીધું છે. બોર્ડના કેટલાક ટોચના અધિકારીઓએ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ હોવાથી તેના નિર્ણય પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી છે.

ટીમ ઈન્ડિયા આગામી મહિને ઈંગ્લેન્ડ પ્રવાસે જશે. અહીં 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝ પહેલા જ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ સ્થિતિમાં જો વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેશે તો ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડમાં જીત મેળવવી મુશ્કેલ બનશે.
કોહલીએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ ટેસ્ટ કરિયર અંગે વિચારણા શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ તે બાદ સતત એક જ રીતે આઉટ થયો હતો અને ખાસ રન બનાવી શક્યો નહોતો. જો વિરાટ કોહલી તેનો નિર્ણય નહીં બદલે તો તેની અને રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની બેટિંગની જવાબદારી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને પંત જેવા ખેલાડીઓ પર રહેશે.
કોહલીની કેવી છે ટેસ્ટ કરિયર
વિરાટ કોહલીએ 123 ટેસ્ટ રમી છે. આ દરમિયાન તેણે 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો…આઇપીએલની ટીમોના હેડ-કોચને કેટલો પગાર મળે છે, જાણી લો…