વિક્ટરી પરેડ બાદ વિરાટ કોહલી લંડન જવા રવાના, જાણો કારણ

વિરાટ કોહલી 4 જુલાઈના રોજ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે દિલ્હી પહોંચ્યો હતો. મેદાનમાં ઉતરતાની સાથે જ તે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણીમાં સામેલ થઈ ગયો. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ની જીતનો જોરદાર જશ્ન મનાવ્યો. પહેલા એરપોર્ટ પર આખી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પછી કોહલી હોટેલ મૌર્યા ગયો હતો, જ્યાં તે પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે તેના પરિવારને મળ્યો. આ પછી તેઓ પીએમ મોદીને મળ્યા હતા. પછી તરત જ તેણે મુંબઈમાં વિજય પરેડ માટે રવાના થઈ જવું પડ્યું. વિરાટે વિજય પરેડમાં જોરદાર ઉજવણી કરી અને ત્યાંથી તે સન્માન સમારોહ માટે વાનખેડે સ્ટેડિયમ જવા રવાના થયો. ત્યાં સમગ્ર કાર્યક્રમ પૂરો કર્યા બાદ હવે તેઓ લંડન જવા રવાના થયા છે.
મુંબઇમાં વિક્ટરી પરેડ બાદ કોહલી મુંબઇના ઇન્ટરનશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કોહલી લંડન જવા રવાના થયો હતો. કોહલીની પત્ની અનુષ્કા શર્મા, વામિકા અને અકાય લંડનમાં છે, તેથી કિંગ કોહલી પણ તેના પરિવારને મળવા લંડન ગયો છે. આ પહેલા વિરાટે દિલ્હીમાં તેમના ભાઇ-બહેન સાથે પણ સારો એવો સમય પસાર કર્યો હતો. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ વિરાટને સમય મળે ત્યારે તે પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : IPL: વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આરસીબીની નવી જર્સી કરી લોન્ચ
મેચ બાદ પણ ઘણી વાર કોહલી તેના પરિવાર સાથે વીડિયો કૉલ કરતો જોવા મળ્યો છે. વિરાટે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 76 રનોની શાનદાર ઈનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઈનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ વર્લ્ડ કપ ફાઈનલ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધાનું પણ એલાન કરી દીધું હતું..