IPL Security breach: ખેલાડીઓની સુરક્ષામાં ફરી ચૂક, Virat Kohliને મળવા ચાહક મેદાનમાં દોડી આવ્યો…

IPL Security breach: ખેલાડીઓની સુરક્ષામાં ફરી ચૂક, Virat Kohliને મળવા ચાહક મેદાનમાં દોડી આવ્યો…

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆત થતા ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે શનિવારેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચ દરમિયાન ફરી એક વાર સુરક્ષામાં ખામી જોવા મળી હતી, એક ચાહક મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલી તરફ ધસી આવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે રમત અટકાવવામાં આવી હતી. સુરક્ષા અધિકારીઓ તુરંત મેદાનમાં દોડી આવ્યા હતા અને, ચાહકને મેદાનમાંથી બહાર લઈ ગયા.

કોઈ અચાનક તેની પાસે દોડી આવતા વિરાટ ચોંકી ગયો હતો. મેદાનમાં દોડી આવેલા ચાહકે RCBનું શર્ટ પહેર્યું હતું, જેની પાછળ વિરાટ કોહલીનું નામ અને જર્સી નંબર લખેલો હતો. વિરાટે અનિચ્છાએ પણ ફેન ગળે લગાવ્યો હતો, જો કે તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં દોડી આવ્યા હતા અને ચાહકને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો. જોકે IPLમાં ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે, કોઈ ખોટા ઈરાદા સાથે ખેલાડીઓને નુકશાન પણ પહોંચાડી શકે છે.

આ સિઝનમાં ત્રીજી વખત ખેલાડીઓની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. 1 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘૂસી ગયો અને રોહિત શર્મા અને ઈશાન કિશન સુધી પહોંચી ગયો. રોહિત સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઈશાન વિકેટ કીપિંગ કરી રહ્યો હતો. અચાનક તેમની પાછળ બહારના વ્યક્તિને જોઈને પહેલા રોહિત અને પછી ઈશાન ડરી ગયા. આ પછી સુરક્ષાકર્મીઓ આવ્યા અને દર્શકને પકડીને મેદાનની બહાર લઈ ગયા.

ત્યાર બાદ 25 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં ચૂક જોવા મળી હતી. અચાનક એક ચાહક વિરાટ કોહલીને મળવા માટે તેની પાસે દોડી આવ્યો હતો. ત્યારે વિરાટ બેટિંગ કરી રહ્યો હતો. ચાહક સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. બાદમાં સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો હતો.

ગઈ કાલે RRએ RCB ને 6 વિકેટે હરાવ્યું, RRને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે RRના બેટરોએ પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ 72 બોલમાં અણનમ 113 રન બનાવ્યા જેમાં 12 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની IPL કારકિર્દીની આ આઠમી સદી હતી. વિરાટ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા સ્થાને ક્રિસ ગેલ અને જોસ બટલર છે, જેમણે છ-છ સદી ફટકારી છે.

જોકે કોહલીની સદી ટીમને જીત ના અપાવી શકી, RRના જોસ બટલરે પણ અણનમ સદી ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી.

સંબંધિત લેખો

Back to top button