વિરાટ આઉટ થતાં જ અનુષ્કાનું રિએકશન જોવા જેવું હતું…
બ્રિટિશ અમ્પાયર કહે છે, ‘અગિયારમા સ્ટમ્પ પર પડેલા બૉલને તમે અડવા જાઓ તો શું થાય!'
સિડની: બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અહીં છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટમાં આજે પ્રથમ દિવસે પીઢ ખેલાડી વિરાટ કોહલીએ પહેલી ટેસ્ટમાં જે ભૂલ કરી હતી એ તેણે આ અંતિમ ટેસ્ટમાં પણ કરી. તે આ સિરીઝમાં કુલ આઠમાંથી સાત વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવા જતાં વિકેટ ગુમાવી બેઠો છે. તેની વિકેટ પડતાં જ એક્ટ્રેસ-પત્ની અનુષ્કા સ્તબ્ધ થઈ ગઈ હતી અને એનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વિરાટ 69 બૉલ રમ્યો હતો જેમાં તેની એકેય ફોર કે સિક્સર નહોતી અને તે મહા મહેનતે 17 રન બનાવ્યા બાદ આ રીતે આઉટ થઈ ગયો હતો.
પેસ બોલર સ્કૉટ બૉલેન્ડના ખૂબ બહારના બૉલમાં કટ મારવા જતાં તે ત્રીજી સ્લિપમાં કૅચ આપી બેઠો હતો. 31 વર્ષની ઉંમરના નવા ઑલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરે તેનો ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. વિરાટ બૅટિંગમાં આવ્યો ત્યારે ભારતનો સ્કોર 17/2 હતો. રોહિત શર્મા વિવાદાસ્પદ સ્થિતિમાં આ મૅચમાં ન રમ્યો હોવાથી (કેપ્ટન જસપ્રીત બુમરાહે બૅટિંગ લીધા બાદ) કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે દાવની શરૂઆત કરી હતી, પરંતુ તેઓ સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હોવાથી વિરાટ પર બહુ મોટી જવાબદારી હતી. વીઆઈપી સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા તેના પ્રત્યેક શૉટને તાળીથી વધાવી લેતી હતી.
વિરાટને ઑસ્ટ્રેલિયન બોલર્સ વારંવાર ઑફ સ્ટમ્પની બહારનો બૉલ ફેંકી રહ્યા હતા એટલે અનુષ્કા ચિંતિત લગતી હતી. એવા જ એક લાલચભર્યા બૉલમાં વિરાટ કૅચઆઉટ થતા રહી ગયો હતો.
Also read: વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
સ્ટીવ સ્મિથથી બૉલ જરાક જમીનને અડી જતાં વિરાટ બચી ગયો હતો. જોકે પોતાના 69મા બૉલમાં વિરાટ ફરી વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલને અડવા જતાં આઉટ થયો અને અનુષ્કા એકદમ હતાશ થઈ ગઈ હતી. વિરાટની વિકેટ પડતાં જ કૅમેરા તરત જ અનુષ્કા પર તાકવામાં આવ્યો જેમાં તેની હતાશા દેખાઈ હતી. ફરી એ જ ભૂલ કરી હોવાથી તેને પતિદેવ પર થોડો ગુસ્સો આવ્યો હોય એવો ભાવ પણ અનુષ્કાના ચહેરા પર દેખાતો હતો. અહીં યાદ અપાવવાની કે થોડા વર્ષો પહેલાં અનુષ્કા જયારે વિરાટની ગર્લફ્રેન્ડ હતી અને સ્ટેડિયમમાં તેની હાજરી વચ્ચે વિરાટ સસ્તામાં આઉટ થતો ત્યારે મીડિયામાં ઘણા લોકો અનુષ્કાને પનોતી માનતા હતા. જોકે ત્યાર બાદ અનુષ્કા સાથેના મધુર લગ્નજીવન દરમ્યાન જ વિરાટે શાનદાર કરીઅર માણી છે. હા, ટી-20 પછી હવે ટેસ્ટમાં પણ વિરાટની કારકિર્દીનો અંત નજીક જણાય છે.
દરમ્યાન, મીડિયામાં વિરાટ પર ક્રિકેટપ્રેમીઓના રોષ વચ્ચે ઇંગ્લૅન્ડના જાણીતા અમ્પાયર રિચર્ડ કેટલબરોએ ‘એક્સ’ પર જે ઇમેજિંગ ફોટો સાથેની પોસ્ટ શૅર કરી એનો ભાવાર્થ એ હતો કે વિરાટે છેક અગિયારમા સ્ટમ્પ પર પડેલા બૉલને છેડવા જતાં વિકેટ ગુમાવી દીધી. કેટલબરોએ એવું પણ લખ્યું કે આ શ્રેણીમાં વિરાટે આઠમાંથી સાત વાર ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં વિકેટ ગુમાવી છે.