વિરાટ કોહલીએ યશસ્વી જયસ્વાલની હેરસ્ટાઈલની કરી મજાક, જુઓ વાયરલ વીડિયો

મુંબઈ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી પ્રથમ વનડે મેચ રોમાંચથી ભરપૂર રહી હતી, પરંતુ આ મેચમાં જે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા તે હતો વિરાટ કોહલી. તેને મેચ દરમિયાન 135 રનની આક્રમક સદી ફટકારી હતી. આ ઉપરાંત, મેદાનની બહાર તેની યુવા ખેલાડીઓ સાથે મસ્તી પણ સોશિયલ મીડિયા પર છવાઈ છે. કોહલીની ફુલ એનર્જીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
મેચ પૂરી થયા પછી બાઉન્ડરી લાઇન પર ભારતીય ખેલાડીઓ વચ્ચે ચાલતી મસ્તી મજાકનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયોમાં દેખાય છે કે વિરાટ કોહલીની નજર ઓપનર યશસ્વી જયસ્વાલની હેર સ્ટાઈલ પર પડી હતી. યશસ્વીએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘તેરે નામ’ જેવી હેર સ્ટાઈલ બનાવી હતી. આ સ્ટાઇલ જોતા જ કોહલીએ તરત જ ‘લગન લગી’ ગીતના હુક સ્ટેપની નકલ કરવાનું શરૂ કરી દીધું. આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા ખેલાડીઓ પણ ખડખડાટ હસી પડ્યા હતા અને આ વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો.
રાંચીમાં રમાયેલી આ વન-ડેમાં વિરાટ કોહલીએ ધમાકેદાર બેટીંગ કરી હતી. તેણે 120 બોલમાં 135 રનની ધમાકેદાર ઈનિંગ રમી મેદાન હાજર દર્શકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે, જેણે ‘વિન્ટેજ કોહલી’ની યાદ તાજી કરાવી દીધી. આ તેમના કરિયરની 52મી વન-ડે સદી હતી. તેમની આ શાનદાર ઇનિંગને કારણે ભારતીય ટીમ 349 રનના સ્કોર સુધી પહોંચી શકી, જે આખરે ભારતની જીતનો પાયો બની રહી. કોહલીને તેમના આ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા.
મેચ પછીના પ્રેઝન્ટેશનમાં વિરાટ કોહલીએ પોતાની ભવિષ્યની યોજનાઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેણે સ્પષ્ટતા કરી કે હું હવે માત્ર વનડે ફોર્મેટમાં જ રમી રહ્યો છું. હું હાલમાં માત્ર એક જ પ્રકારની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. તેણે જણાવ્યું કે આટલી લાંબી કારકિર્દી પછી, હવે તેઓ પોતાના શરીરની સ્થિતિ અને માનસિક તૈયારીને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા માંગે છે. તેનો સંપૂર્ણ ફોકસ હવે પછીના વન-ડે વર્લ્ડ કપ 2027 પર છે.



