
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે આયોજિત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024નું ટાઇટલ જીતી લીધું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પુરૂષ ટીમ છેલ્લા 16 વર્ષથી આઇપીએલ જીતવાની રાહ જોઈ રહી છે. તેમના હાથમાં એક પણ વાર આ ટાઇટલ આવ્યું નથી ત્યારે RCBની મહિલા ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝીના ટાઇટલના દુકાળનો અંત આણી દીધો છે. સ્વાભાવિકપણે જ આરસીબીના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિરાટ કોહલી પણ આ જીતથી ખુશ છે. તેમણે વીડિયો કોલ કરીને ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંધાના અને RCBના અન્ય ખેલાડીઓ વિરાટ સાથે વાત કરી રહ્યા છે.
વિરાટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તેમણે મંધાના એન્ડ કંપની માટે સુપરવુમન લખ્યું છે.
WPLની ફાઈનલમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સની ટીમનો મુકાબલો હતો. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીના બેટ્સમેનોએ બેંગ્લોરના બોલરો સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી અને 113 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટે 115 રન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.