નેશનલસ્પોર્ટસ

કુસ્તીના મેદાન બાદ હવે ચૂંટણીના મેદાનમાં અજમાવશે કિસ્મત! વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ

હરિયાણાઃ પેરિસ ઑલિમ્પિકમાં વધી ગયેલા વજનને કારણે ફાઇનલમાંથી બહાર થયેલા પહેલવાન ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. હવે વિનેશ ફોગાટે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાઇ શકે છે. હરિયાણામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં વિનેશ પણ કૉંગ્રેસની ઉમેદવાર બનીને ઝંપલાવી શકે છે. જોકે, આ બધા વિશે હાલમાં કંઇ કહી શકાય નહીં. પણ હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે એટલે દરેક રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે.

વિનેશ ફોગાટ ભારત પરત ફર્યા ત્યારે દીપેન્દ્ર હુડ્ડા તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. વિનેશ ફોગાટ ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા અને આશા હુડ્ડાને મળ્યા હતા. આ પ્રસંગે દીપેન્દ્ર હુડ્ડાની પત્ની પણ હાજર હતી. તેમણે વિનેશ ફોગટનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. ભુપેન્દ્ર હુડ્ડાએ જણાવ્યું હતું કે જે રીતે સચિન તેંડુલકરને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા, તે રીતે વિનેશ ફોગાટને રાજ્યસભાના સાંસદ બનાવવા જોઇતા હતા,પણ તેમ થયું નથી. વિનેશ સાથે અન્યાય થયો છે. તે ન્યાયની હકદાર છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે રમતવીરો કોઇ એક પક્ષના નથી હોતા, પણ સમગ્ર દેશનું ગૌરવ હોય છે. વિનેશે રાજકારણમાં આવવા અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. તેઓ જો કૉંગ્રેસ પાર્ટીમાં જોડાવા માગશે તો અમે તેનું સ્વાગત કરીશું. પણ આ અંગે તો હાલમાં અનુમાન જ લગાવવામાં આવી રહ્યું છે. કઇ પાર્ટીમાં જોડાવું તેનો નિર્ણય વિનેશે કરવાનો છે. નોંધનીય છે કે કોંગ્રેસ પહેલાથી જ માંગ કરી ચુકી છે કે વિનેશ ફોગટને રાજ્યસભાની સીટ મળવી જોઈએ અને હવે હુડાએ પણ તેનો પુનરોચ્ચાર કર્યો છે.

નોંધનીય છે કે વિનેશ ફોગાટ હરિયાણાના ભિવાની જિલ્લાના બલાલી ગામમાં જન્મી છે. તેણે તેના કાકા મહાવીર ફોગાટ પાસે કુસ્તીની તાલિમ લીધી છે. તે 29 વર્ષની છે. વિનેશ હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. વિધાનસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે. તેની પિતરાઇ બહેન બબીતા ફોગાટ ભાજપમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button