બે કિલો વધુ વજનની છૂટ હોય છે, પણ ઑલિમ્પિક્સમાં નહીં
પૅરિસ: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) વિશ્ર્વભરની રેસલિંગ (કુસ્તી)ની હરીફાઈઓ અને અન્ય ઇવેન્ટ્સનું સંચાલન કરે છે અને એમાં યુડબ્લ્યૂડબ્લ્યૂના નિયમો લાગુ પડતા હોય છે. જોકે દેશ-વિદેશની આમંત્રણિય સ્પર્ધાઓ (ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટ્સ)માં આ સર્વોચ્ચ સંસ્થા દ્વારા ઍથ્લીટને તેની વજન સંબંધિત કૅટેગરી માટે નક્કી થયેલા વજન કરતાં બે કિલો સુધી વધુ વજનની છૂટ અપાય છે, પરંતુ આવી કોઈ જ છૂટ ઑલિમ્પિક ગેમ્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓમાં નથી આપવામાં આવી.
કોઈ પણ કુસ્તીબાજે કરીઅર દરમ્યાન પોતાનું વજન નિર્ધારિત મર્યાદામાં જાળવી રાખવા ખૂબ મહેનત કરવી પડે છે અને ખાવા-પીવામાં ઘણી તકેદારી રાખવી પડે છે.
ફક્ત 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે બુધવારે પૅરિસ ઑલિમ્પિક્સની ફ્રીસ્ટાઇલ 50 કિલો વર્ગની સ્પર્ધામાંથી બહાર કરી નાખવામાં આવેલી હરિયાણાની વિનેશ ફોગાટનું વજન સામાન્ય રીતે 56થી 57 કિલો રહેતું હોય છે. અગાઉ તે 53 કિલો વર્ગમાં કુસ્તી લડતી હતી અને હવે 50 કિલો વર્ગમાં લડે છે. સ્પર્ધા આવી રહી હોય ત્યારે તેણે 50 કિલોના વર્ગ સુધી વજન ઘટાડવા ભારે સંઘર્ષ કરવો પડે છે.
કુસ્તી અને મુક્કાબાજી કૉન્ટેક્સ સ્પોર્ટની રમત ગણાય છે. ઘણી વાર કુસ્તીબાજો અને મુક્કાબાજો સ્પર્ધા પહેલાં વેઇ-ઇન (વજનની ચકાસણી)ના બે દિવસ પહેલાંના સમયગાળા દરમ્યાન કંઈ પણ ખાતા નથી અને ક્યારેક તો પાણી વગર કલાકો અને દિવસો કાઢે છે.
ભારતીય બૉક્સર નિખત ઝરીને પૅરિસના બાઉટના પરાજય પછી કહ્યું હતું કે ‘મેં બે દિવસ સુધી કંઈ જ ખાધું નહોતું અને પાણી પણ નહોતું પીધું. જોકે મારું વજન તો મર્યાદામાં આવી ગયું, પણ મારી તાકાત ઘટી ગઈ હતી.’
આ પણ વાંચો : દિલથી દેશી કુસ્તીબાજ ધાકડ ગર્લ વિનેશ ફોગાટના દેશી રૂપ જોયા કે…..
સામાન્ય રીતે કુસ્તી અને બૉક્સિગંની હરીફાઈના દિવસે મર્યાદિત વિસ્તારમાં સ્પર્ધકનું વજન માપવામાં આવે છે.
વિનેશ ફોગાટનું વજન મંગળવારની રાતની સેમિ ફાઇનલ બાદ નિર્ધારિત વજન કરતાં બે કિલો વધુ હતું. વજન ઘટાડવા તે રાતભર જાગી હતી અને જૉગિંગ, સ્કિપિંગ (દોરડાકૂદ) તેમ જ સાયક્લિગંનો સહારો લીધો હતો, પરંતુ છેવટે તેનું વજન 100 ગ્રામ વધુ બતાવાયું હતું.
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
ક્રમ | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | કુલ |
1 | અમેરિકા | 24 | 31 | 31 | 86 |
2 | ચીન | 22 | 22 | 16 | 60 |
3 | ઑસ્ટ્રેલિયા | 14 | 12 | 10 | 36 |
4 | ફ્રાન્સ | 13 | 16 | 19 | 48 |
5 | ગ્રેટ બ્રિટન | 12 | 15 | 19 | 46 |
6 | સાઉથ કોરિયા | 11 | 08 | 07 | 26 |
7 | જાપાન | 11 | 06 | 12 | 29 |
8 | ઇટલી | 09 | 10 | 07 | 26 |
9 | નેધરલૅન્ડ્સ | 09 | 05 | 06 | 20 |
10 | જર્મની | 08 | 05 | 04 | 17 |
63 | ભારત | 000 | 00 | 03 | 03 |