હરિયાણાની પહેલવાન પહેલી વાર મમ્મી બની…

નવી દિલ્હીઃ રેસલરમાંથી રાજકારણમાં પ્રવેશનાર વિનેશ ફોગાટે પ્રથમ બાળકને જન્મ આપ્યો છે. વિનેશ (VINESH PHOGAT) અને તેના કુસ્તીબાજ પતિ સોમવીર રાઠી (SOMVIR RATHEE)એ માર્ચમાં જાહેર કર્યું હતું કે તેઓ પહેલી વાર પૅરેન્ટ્સ બનવાના છે. ત્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું હતું, ` અમારી લવ સ્ટોરીનો નવા અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.’
30 વર્ષીય વિનેશને સોમવારે દિલ્હીની અપૉલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને મંગળવારે સવારે 9.00 વાગ્યાની આસપાસ તેણે પુત્રને જન્મ આપ્યો હતો.

વિનેશ ફોગાટ કૉન્ગ્રેસ પક્ષની વિધાનસભ્ય છે. તેણે 2018માં સોમવીર રાઠી સાથે લગ્ન કર્યાં હતાં. વિનેશ એના થોડા વર્ષ પહેલાં રેલવે વિભાગમાં હતી ત્યારે સોમવીરના સંપર્કમાં આવી હતી. રેસલિંગની રમતને લીધે બન્ને જણ એકમેકની નજીક આવ્યા હતા અને તેમની વચ્ચેની રિલેશનશિપ થોડા વર્ષ સુધી ચાલી હતી અને ત્યાર પછી તેમણે લગ્ન કરી લીધાં હતાં.
વિનેશ ફોગાટ 2018માં જકાર્તાની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ફોગાટે ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ ગુમાવ્યા બાદ ઑગસ્ટમાં કુસ્તીની રમતમાંથી નિવૃત્તિ લીધી હતી.