‘મા કુસ્તી મારાથી જીતી, હું હારી ગઈ…’ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હી: ઓલમ્પિકમાંથી બહાર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે આજે ગુરુવારે રેસલિંગમાંથી નિવૃત્તિની (Vinesh Phogat retire) જાહેરાત કરી. પેરિસ ઓલિમ્પિકની 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં ગેરલાયક જાહેર થયા બાદ વિનેશ ફોગાટ ખૂબ જ નિરાશ હતી.
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. કુસ્તી અલવિદા 2001-2024 . હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ, માફ કરજો. “
ઓલિમ્પિક રેસલિંગ ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા બાદ વિનેશ ઇતિહાસ રચવાની નજીક હતી.
ગોલ્ડમેડલ માટેના મેચના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય મહિલા રેસલરનું વજન 100 ગ્રામ વધુ હતું.
સેમિફાઇનલમાં વિનેશ સામે હારનાર ક્યુબાની રેલર ગુઝમેન લોપેઝે બુધવારે રાત્રે ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કર્યો હતો. હિલ્ડેબ્રાન્ડે મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશની આ ત્રીજી ઓલિમ્પિક હતી. 2016માં રિયો અને 2021માં ટોક્યોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું રહ્યું. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેણે વજન ઘટાડ્યું હતું. તેણે 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો.
વિનેશ અને ભારતીય ટીમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. જેમાં વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ કરવામાં આવી છે. કોર્ટ આજે ગુરુવારે સવારે તેનો ચુકાદો જાહેર કરે તેવી અપેક્ષા છે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસ પહેલા ઉદ્ભવતા કોઈપણ વિવાદોના મધ્યસ્થી દ્વારા નિરાકરણ માટે રમતોમાં CAS ના એડહોક વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે સવારે સુનાવણી થશે.
Also Read –