વિદર્ભની 24 રનમાં ત્રણ વિકેટ અને પછી ચોથી વિકેટ પડી છેક 239 રનના સ્કોર પર
કેરળ સામેની રણજી ફાઇનલમાં માલેવારની અણનમ સદી, નાયર લડાયક 86 રને રનઆઉટ

નાગપુરઃ વિદર્ભએ અહીં આજે રણજી ટ્રોફીની પાંચ દિવસીય ફાઇનલના પ્રારંભિક દિવસે ખરાબ શરૂઆત બાદ જોરદાર લડત સાથે કેરળ સામે દિવસને અંતે ચાર વિકેટે 254 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 2024ના રનર-અપ વિદર્ભનો ડેનિશ માલેવાર (138 નૉટઆઉટ, 259 બૉલ, બે સિક્સર, 14 ફોર) અને પીઢ બૅટર કરુણ નાયર (86 રન, 188 બૉલ, એક સિક્સર, આઠ ફોર) આ ઇનિંગ્સના બે હીરો હતા.
માલેવાર-નાયર વચ્ચે ચોથી વિકેટ માટે 215 રનની અભૂતપૂર્વ ભાગીદારી થઈ હતી. બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ એક તબક્કે વિદર્ભનો સ્કોર ત્રણ વિકેટે માત્ર 24 રન હતો, પણ માલેવાર-નાયરની જોડીએ ટીમના સ્કોરને 239 સુધી પહોંચાડ્યો હતો અને છેક એ સ્કોર પર નાયરના રૂપમાં ચોથી વિકેટ પડી હતી.
આ પણ વાંચો: આઇપીએલની આતશબાજી પહેલાં રણજી ટ્રોફીએ રંગ રાખ્યો…
માલેવાર અને નાયર વચ્ચે મોટી ગેરસમજ થઈ હતી જેમાં નાયર રનઆઉટ થઈ ગયો હતો અને 14 રન માટે 23મી ફર્સ્ટ-ક્લાસ સદી ચૂકી ગયો હતો.
એ પહેલાં, કેરળના બોલર્સે 24 રનમાં વિદર્ભની ત્રણ વિકેટ લઈને વિદર્ભની છાવણીમાં સોપો પાડી દીધો હતો. ઓપનર પાર્થ રેખાડેની ઝીરો પર, દર્શન નાલકંડેની 11મા રને અને ધ્રુવ શોરેની 24મા રને વિકેટ પડી હતી. ત્યાર પછી માલેવાર-નાયરની જોડીએ વિદર્ભના જલજ સક્સેના અને આદિત્ય સરવટે સહિત તમામ છ બોલરને લગભગ 70 ઓવર સુધી ખૂબ હંફાવ્યા હતા. માલેવાર-નાયરની જોડીએ ત્રણ સત્ર દરમ્યાન કુલ 414 બૉલનો સામનો કર્યો હતો.
આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં ગુજરાતને ફાઇનલના પ્રવેશનો સુવર્ણ મોકો, પણ મુંબઈ સેમિ હારી શકે
વિદર્ભની 82મી ઓવરમાં કેરળના 19 વર્ષીય પેસ બોલર એડન ઍપલ ટૉમનો બૉલ વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીન અને પ્રથમ સ્લિપનો ફીલ્ડર ન પકડી શક્તા તેમની વચ્ચેથી બૉલ નીકળી ગયો હતો. એ જોઈને નાયર અને માલેવારે જોખમ ઉઠાવીને રન દોડવાનું શરૂ કરી દીધું હતું. જોકે બીજી સ્લિપના ફીલ્ડર રોહન કુન્નુમલે ઝડપથી બૉલને પોતાના કબજામાં લઈને સીધો સ્ટ્રાઇકર્સ-એન્ડ પર ફેંક્યો હતો અને નાયર રનઆઉટ થઈ ગયો હતો.
પ્રથમ દિવસની રમતને અંતે માલેવાર સાથે યશ ઠાકુર પાંચ રને રમી રહ્યો હતો. કેરળ વતી એમડી નિધીશે બે વિકેટ તેમ જ એડને એક વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે કેરળની ટીમ ગુજરાત સામે પ્રથમ દાવની બે રનની સરસાઈને આધારે જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી સેમિમાં વિદર્ભએ ડિફેન્ડિંગ ચૅમ્પિયનને 80 રનથી હરાવ્યું હતું.