વીક એન્ડસ્પોર્ટસ

સ્પોર્ટ્સમૅનઃ ટ્રમ્પના દુશ્મન દેશ: વેનેઝુએલા-ક્યુબા- કોલમ્બિયામાં બેઝબૉલ, ફૂટબૉલ, બૉક્સિંગ સૌથી લોકપ્રિય

અજય મોતીવાલા

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ વિશે અગાઉ લોકોમાં ભાગ્યે જ ચર્ચા થતી હતી, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની દાદાગીરી’ને લીધે આ દેશ અચાનક જ વિશ્વના ફલક પર આવી ગયો છે અને એક અઠવાડિયાથી દુનિયાના કેન્દ્રસ્થાને છે. છેલ્લા ઘણા દાયકાઓમાં વેનેઝુએલાની અનેક વિશ્વ સુંદરીઓમિસ યુનિવર્સ’, મિસ વર્લ્ડ’ અનેમિસ ઇન્ટરનૅશનલ’નામની સૌંદર્યસ્પર્ધાઓ માં મેદાન મારી ચૂકી છે અને સામાન્ય રીતે આ દેશ આ પ્રકારની સ્પર્ધાઓને લઈને જ ચર્ચામાં રહ્યો છે. જોકે અહીં આપણે વેનેઝુએલાના માત્ર ખેલકૂદ અને રમતગમતની સ્પર્ધાઓમાં આ દેશે શું અચિવ કર્યું એ વિશે જ જાણીશું.

સૌથી પહેલી વાત એ છે કે વેનેઝુએલામાં દાયકાઓથી બેઝબૉલની રમત લોકપ્રિય છે અને આ રમત એને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ)ની જ દેન છે. માત્ર બેઝબૉલ નહીં, ફૂટબૉલની રમત પણ વેનેઝુએલામાં અમેરિકાને કારણે ફેમસ થઈ છે.

કહેવાય છે કે ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને કેફી પદાર્થો (ડ્રગ્સ)ની દાણચોરી, અમેરિકામાં મોટા પાયે ઘૂસણખોરી અને સામ્યવાદી સરકારની નીતિના કારણસર પકડીને પોતાની (અમેરિકાની) જેલમાં બંધ કર્યા છે. જોકે વેનેઝુએલાનો આક્ષેપ છે કે અમેરિકા અમારા ખનિજ તેલના પ્રચંડ ભંડાર આંચકી લેવા માગે છે. અહીં આપણે વેનેઝુએલા સાથે ખેલકૂદ ક્ષેત્રે અમેરિકાના ક્રૂડ ઑઇલનો ભંડાર ધરાવતી અમેરિકી કંપનીઓ સાથેના સંબંધોની જ વાત કરવાની છે.

ઉલ્લેખનીય છે કે વેનેઝુએલામાં બેઝબૉલ અને ફૂટબૉલ (સૉકર) ઉપરાંત બાસ્કેટબૉલની રમત પણ અમેરિકાને કારણે લોકપ્રિય થઈ છે. જેમ 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ રાજ દરમ્યાન ભારતમાં ક્રિકેટની રમત ફેમસ થઈ હતી એમ વેનેઝુએલામાં ખનિજ તેલનો વેપાર કરતી યુએસએની ઑઇલ કંપનીઓના સક્રિય યોગદાનને કારણે બેઝબૉલની રમત વધુ રમાતી થઈ હતી. એક રીતે ક્રિકેટ અને બેઝબૉલની રમત એકસરખી લાગે.

જોકે બન્ને રમતના નિયમો વચ્ચે ઘણો ફરક છે. 1945માં વેનેઝુએલન પ્રોફેશનલ બેઝબૉલ લીગની સ્થાપના થઈ હતી. ફૂટબૉલની રમત વેનેઝુએલામાં બેઝબૉલ જેટલી નથી રમાતી, પણ થોડાં વર્ષોથી એની લોકપ્રિયતા પણ વધી છે.

અમેરિકાની નૅશનલ બાસ્કેટબૉલ અસોસિયેશન (એનબીએ) નામની બાસ્કેટબૉલ લીગ વિશ્વવિખ્યાત છે. એની રાહે 1974માં નૅશનલ બાસ્કેટબૉલ લીગની સ્થાપના થઈ હતી જેનું નામ છે, સુપરલીગા પ્રોફેશનલ દ બલૉનસેસ્તો (એસપીબી). વેનેઝુએલામાં સાઇક્લિંગ અને પોલો (ઘોડેસવારી)ની રમતને જે પૉપ્યુલારિટી મળી છે એ પાછળ પણ અમેરિકા જ કારણભૂત મનાય છે.

ઑલિમ્પિક્સમાં માત્ર બે મેડલ મળ્યા
વેનેઝુએલા 1948ની સાલથી ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લે છે, પણ અત્યાર સુધીમાં આ દેશ માત્ર બે ચંદ્રક જીતી શક્યો છે. એને પ્રથમ ઑલિમ્પિક મેડલ 1952માં અસનોલ્દો દેવૉનિશે અપાવ્યો હતો. દેવૉનિશ ટ્રિપલ જમ્પના ઍથ્લીટ હતા અને તેઓ એ સાલની ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. વેનેઝુએલાનો બીજો મેડલ સુવર્ણ હતો જે 1968ની ઑલિમ્પિક્સમાં ફ્રાન્સિસ્કો રૉડ્રિગેઝે મુક્કાબાજીમાં જીતી લીધો હતો.

માદુરોનું ખેલકૂદ કનેક્શન
ડોનલ્ડ ટ્રમ્પે જેમનું અપહરણ કરાવ્યું એ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોનો ખેલકૂદ ક્ષેત્ર સાથે સીધો સંબંધ નથી, પણ માદુરો પરિવારનું થોડું કનેક્શન જરૂર છે. વેનેઝુએલાના પરિવારના એક વડીલના નામ પરથી દેશમાં એક સ્ટેડિયમને માદુરો સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.

માયામીમાં માદુરો નામનું સ્ટેડિયમ
2026ની સાલમાં ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કૅનેડા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે. ખાસ કરીને અમેરિકાની વાત કરીએ તો ત્યાં આ સ્પર્ધા માટે માયામી સ્ટેડિયમ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે ભૂતકાળમાં બેઝબૉલની ટૂર્નામેન્ટો માટે ફ્લોરિડામાં માયામી સ્ટેડિયમ બન્યું હતું. એ ખેલકૂદ સ્થળનું પૂરું નામ બૉબી માદુરો માયામી સ્ટેડિયમ હતું. 2001માં એ સ્ટેડિયમ તોડી નાખવામાં આવ્યું હતું.

ક્યુબા, કોલમ્બિયા, ગ્રીનલૅન્ડ પણ અમેરિકાના લક્ષ્યાંક
વેનેઝુએલા બાદ ક્યૂબા તેમ જ કોલમ્બિયા અને ગ્રીન લૅન્ડ પણ અમેરિકાના હવે પછીના લક્ષ્યાંક મનાય છે. વેનેઝુએલાની જેમ ક્યૂબામાં પણ બેઝબૉલની રમત ખૂબ લોકપ્રિય છે. જોકે મુક્કાબાજી તેમ જ કુસ્તી, વૉલીબૉલ, બાસ્કેટબૉલ, નૌકા હરીફાઈ અને ટે્રકિંગની રમતની પણ ઘણી સ્પર્ધાઓ યોજાય છે. ક્યૂબાએ ઑલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં કુલ 244 મેડલ મેળવ્યા છે જેમાં 86 ગોલ્ડ મેડલ છે અને એમાંથી સૌથી વધુ 42 ગોલ્ડ એના બૉક્સર્સે જીતી લીધા છે.

કોલમ્બિયામાં વેઇટલિફ્ટિંગ સૌથી લોકપ્રિય રમત છે અને ઑલિમ્પિક્સમાં કોલમ્બિયા જે કુલ 38 મેડલ જીત્યું છે એમાં સૌથી વધુ 11 મેડલ વેઇટલિફ્ટિંગના છે. ઉત્તર અમેરિકામાં ડેન્માર્કના કબજામાં રહેલા વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલૅન્ડ પર પણ અમેરિકાનો ડોળો હોવાનું મનાય છે. આ ગ્રીનલૅન્ડમાં પણ ઘણી રમતોની ટૂર્નામેન્ટો રમાય છે જેમાં ફૂટબૉલ, ટ્રેક ઍન્ડ ફીલ્ડ, બૅડમિન્ટન, હૅન્ડબૉલ, ગૉલ્ફ તેમ જ ખાસ કરીને સ્કિઇંગનો સમાવેશ છે. ઑલિમ્પિક્સમાં ગ્રીનલૅન્ડની પોતાની ટીમ નથી, પરંતુ શિયાળુ રમતોત્સવ (વિન્ટર ઑલિમ્પિક્સ)માં આ દેશ ડેન્માર્કની મદદથી સ્કિઇંગની હરીફાઈઓમાં ભાગ લે છે.

વેનેઝુએલા, ક્યુબામાં ક્રિકેટની હજી શરૂઆત
વેનેઝુએલા અને ક્યૂબામાં ક્રિકેટની રમત હજી પા-પા પગલી માંડી રહી છે. બન્ને દેશમાં ક્રિકેટ અસોસિયેશન બન્યા છે, પરંતુ `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી આ રમતને ખાસકંઈ લોકપ્રિયતા નથી મળી. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા વિશ્વના અનેક દેશોમાં ક્રિકેટની રમતનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે એમાં આ બે દેશ પણ સામેલ છે. કોલમ્બિયામાં ક્રિકેટ ઘણી રમાય છે. ખાસ કરીને કોલમ્બિયાની મહિલા ક્રિકેટરો નાના દેશોના ક્રિકેટ ક્ષેત્રે પ્રખ્યાત છે અને કોલમ્બિયાનાં ઘણાં શહેરોમાં ક્રિકેટ ક્લબોની ટૂર્નામેન્ટો રમાય છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ સચિન જેવી વિરાટ લોકપ્રિયતાની દિશામાં આગળ વધી રહ્યો છે કિંગ કોહલી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button