અમદાવાદમાં રવિવારથી એશિયન સ્વિમિંગ સ્પર્ધાઃ ભારત કેટલા મેડલ જીતી શકે?
સ્પોર્ટસ

અમદાવાદમાં રવિવારથી એશિયન સ્વિમિંગ સ્પર્ધાઃ ભારત કેટલા મેડલ જીતી શકે?

અમદાવાદઃ અહીં નારણપુરા વિસ્તારના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રવિવારે 11મી એશિયન ઍક્વેટિક્સ (Asian Aquatic) ચૅમ્પિયનશિપ્સનો આરંભ થઈ રહ્યો છે જેમાં ભારતને ઓછામાં ઓછા ત્રણથી ચાર ચંદ્રક જીતવાનો મોકો છે એવું ભારતીય સ્ક્વૉડના હેડ-કોચ નિહાર અમીને (Nihar Ameen) પીટીઆઇને શનિવારે જણાવ્યું હતું.

કુલ 29 દેશમાંથી 1,100થી પણ વધુ સ્વિમર્સ, વિવિધ ટીમના કોચ અને ટેક્નિકલ વિભાગના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ સ્પર્ધા એવી છે જેમાં મેડલ જીતીને સ્પર્ધકો 2026ની જાપાનની એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થઈ શકશે.

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતના મુખ્ય સ્વિમર્સમાં (પુરુષોમાં) સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજ તેમ જ (મહિલાઓમાં) ધિનીધી દેસિન્ગુ અને ભવ્ય સચદેવનો સમાવેશ છે.

મેડલ અપાવી શકે એવા અન્ય સ્વિમર્સમાં પુરુષોમાં હીર શાહ, એસ. ધનુશ, અદ્વેઇત પાગે, રિષભ દાસ તેમ જ મહિલાઓમાં સૃષ્ટિ ઉપાધ્યાય, અદિતી હેગડે, અવંતિકા ચવાણ વગેરે સામેલ છે.

કોચ નિહાર અમીને એવું પણ કહ્યું હતું કે ` ભારતીય સ્પર્ધકોએ તાલીમ બાદ ખૂબ સારી પ્રૅક્ટિસ કરી છે. અહીંના સંકુલમાં સુવિધાઓ ખૂબ જ સારી છે. મને ખાતરી છે કે ભારતીય સ્વિમર્સ ખૂબ સારું પર્ફોર્મ કરશે.

આ પણ વાંચો…અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button