વન-ડેમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો વરુણ ચક્રવર્તી
![Varun Chakravarthy becomes second oldest player to make ODI debut](/wp-content/uploads/2025/02/Varun-Chakravarthy-becomes-second-oldest-player-to-make-ODI-debu.webp)
કટક (ઓડિશા): ભારતીય ક્રિકેટ ટીમમાં એક પછી સિનિયર ખેલાડીઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે નવા નવા ખેલાડીઓ એન્ટ્રી પણ કરી રહ્યા છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયા વતીથી વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ કટકમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચથી આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં વરુણને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો નહોતો, પરંતુ હવે તેને બીજી વન-ડેમાં તક મળી હતી. આ સાથે વરુણ ભારત માટે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. વરુણે ડેબ્યૂ મેચમાં એક વિકેટ ઝડપી હતી.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…
ટોસ પહેલા અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વરુણને વન-ડેની કેપ આપી હતી. ટોસ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમણે આ મેચ માટે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ઘૂંટણની ઈજાને કારણે છેલ્લી મેચમાં રમી ન શકનાર વિરાટ કોહલી ટીમમાં પાછો ફર્યો છે. કુલદીપ યાદવના સ્થાને વરુણને તક આપવામાં આવી હતી.
આ સાથે વરુણ દિગ્ગજોની ક્લબમાં જોડાઈ ગયો છે. વરુણે ભારત માટે 33 વર્ષ અને 164 દિવસની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી છે. તેમણે આ બાબતમાં અજિત વાડેકરને પાછળ છોડી દીધા છે જેમણે 1974માં 33 વર્ષ અને 103 દિવસની ઉંમરે લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું.
જોકે, ભારત માટે સૌથી મોટી ઉંમરે વનડે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ ફારુખ એન્જિનિયરના નામે છે, જેમણે 1974માં 36 વર્ષ અને 138 દિવસની ઉંમરે લીડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.