સ્પોર્ટસ

વર્લ્ડ રેકોર્ડ્સનો વરસાદ છતાં વૈભવ સૂર્યવંશી કેમ ટીમ ઈન્ડિયામાં નથી રમી શકતો? જાણો નિયમો…

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ પૂરી થઈ ગઈ છે, પરંતુ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગની ગુંજ આખા વિશ્વમાં સંભળાઈ રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફાઈનલમાં 80 બોલમાં 175 રન ફટકારીને વૈભવે માત્ર મેચ જ નથી જીતી, પરંતુ રેકોર્ડ બુક પર પોતાનું નામ કોતરી દીધું છે. બિહારના આ નાના છોકરાના પ્રદર્શનને જોઈને ફેન્સના મનમાં એક જ સવાલ છે કે, જો તે IPL માં સદી ફટકારી શકે છે અને ઇંગ્લેન્ડના બેસ્ટ બોલરોને ધૂળ ચટાડી શકે છે, તો તે સિનિયર ભારતીય ટીમમાં કેમ નથી?

વૈભવ સૂર્યવંશીની પ્રતિભા સામે સૌથી મોટી રુકાવટ આઈસીસી (ICC) નો ‘લઘુત્તમ વય’નો નિયમ છે. 2020 માં લાગુ કરાયેલા આ કાયદા મુજબ, કોઈપણ ખેલાડી 15 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા વગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (સિનિયર ટીમ) રમી શકતો નથી. વૈભવનો જન્મ 27 માર્ચ 2011 ના રોજ થયો હોવાથી, ફેબ્રુઆરી 2026 માં વર્લ્ડ કપ જીતતી વખતે તે હજુ 14 વર્ષનો જ છે. આનો અર્થ એ છે કે તે ગમે તેટલા રન બનાવે, પરંતુ 27 માર્ચ 2026 પહેલા તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં.

વૈભવ માટે એક બીજી રસપ્રદ અને કડવી વાસ્તવિકતા એ છે કે તે હવે ક્યારેય અંડર-19 વર્લ્ડ કપ રમી શકશે નહીં. બીસીસીઆઈના નિયમ મુજબ, એક ખેલાડી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર અંડર-19 વર્લ્ડ કપ રમી શકે છે. આ નિયમનો હેતુ નવા ખેલાડીઓને તક આપવાનો છે. એટલે કે, 2028 કે 2030 માં વૈભવની ઉંમર ભલે 19 વર્ષથી ઓછી હોય, તેમ છતાં તે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. 2026 નો ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ હવે સીધો સિનિયર ટીમ માટે જ તૈયારી કરશે.

આ પણ વાંચો…જાણો વૈભવ સૂર્યવંશીએ પોતાની જીતનો શ્રેય કોણે આપ્યો?

વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડ બનાવ્યા છે:

અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ: 80 બોલમાં 175 રન (15 છગ્ગા સાથે).
IPL: 35 બોલમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી.
વિજય હઝારે ટ્રોફી: 59 બોલમાં 150 રન બનાવી એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો.
લિસ્ટ-A ક્રિકેટ: 14 વર્ષની ઉંમરે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી.
યુથ ટેસ્ટ અને વનડે: ભારત માટે સૌથી ઝડપી સદી (માત્ર 52-58 બોલમાં).

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 108 રન બનાવીને સૌથી નાની ઉંમરના સદીવીર બનેલા વૈભવની રમત શારીરિક અને માનસિક પરિપક્વતાનો ઉત્તમ નમૂનો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જ્યારે તેણે આક્રમક બેટિંગ કરી ત્યારે જ તે પસંદગીકારોની નજરમાં આવી ગયો હતો. હવે આખું ભારત 27 માર્ચ 2026 ની રાહ જોઈ રહ્યું છે, જ્યારે આ યુવા વાવાઝોડું ઓફિશિયલ રીતે સિનિયર ભારતીય ટીમ માટે ઉપલબ્ધ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button