સ્પોર્ટસ

જાણો વૈભવ સૂર્યવંશીએ પોતાની જીતનો શ્રેય કોણે આપ્યો?

નવી દિલ્હી: ભારતીય યુવા ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ સ્તરે પોતાની તાકાત બતાવી છે. સતત છઠ્ઠી વખત ભારતની અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલા હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ગઈકાલની મેચમાં ભારતની ટીમે 100 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીતનો સાચો હીરો 14 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો હતો.

ફાઈનલ મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટે 411 રનનો સ્કોર ખડક્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ રમતને કારણે ભારતની જીત મજબૂત બની ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી કાલેબ ફાલ્કનરે 115 રન બનાવી સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે પૂરતો નહોતો.

BCCI

વૈભવ સૂર્યવંશી આ ટુર્નામેન્ટમાં ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ’ અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ એમ બંને ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે આખી ટુર્નામેન્ટમાં કુલ 439 રન બનાવ્યા અને 1 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત, તેણે અંડર-19 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન (માત્ર ૭૧ બોલમાં) બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં વૈભવ ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેણે આ એવોર્ડ ટીમના સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યો હતો. તેણે જણાવ્યું કે, “છેલ્લા 8-9 મહિનાની સખત મહેનત અને સપોર્ટ સ્ટાફના માર્ગદર્શનને કારણે જ અમે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ. એ લોકોએ ટીમની ફિટનેસ અને માનસિક મજબૂતી પર ખૂબ કામ કર્યું છે. વૈભવના આ શબ્દો ચાહકોના દિલ જીતી લીધા હતા.

ગયા વર્ષે IPL ઓક્શનમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે ચર્ચામાં આવેલા વૈભવે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનો ડંકો વગાડ્યો છે. 14 વર્ષની ઉંમરે આવી પરિપક્વતા અને આક્રમક રમત બતાવીને તેણે સાબિત કર્યું છે કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. આ જીત બાદ સમગ્ર ભારતમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર આ યુવા ચેમ્પિયન પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો…સૂર્યવંશીએ ભારતને અપાવ્યો અન્ડર-19 વર્લ્ડ કપનો છઠ્ઠો તાજ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button