ICC U-19 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડ સામેની વૉર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી

આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ થાય તે પહેલા તમામ ટીમો હાલ વૉર્મ-અપ મેચો દ્વારા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ભારતીય અંડર-19 ટીમ પણ મેદાનમાં પરસેવો પાડી રહી છે. જોકે, ઈંગ્લેન્ડ સામેની મહત્વની વૉર્મ-અપ મેચમાં ભારતના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી પાસેથી જે આશા રાખવામાં આવી હતી, તેમાં તે નિષ્ફળ રહ્યો છે. અગાઉની મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવ આ વખતે મેદાન પર લાંબુ ટકી શક્યો નહોતો.
ઈંગ્લેન્ડ અંડર-19 સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યો હતો. ચાહકોને આશા હતી કે તે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરશે, પરંતુ તે માત્ર 4 બોલ રમીને 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સેબેસ્ટિયન મોર્ગનના બોલ પર થોમસ રેયુને કેચ આપી બેઠો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સ્કોટલેન્ડ સામેની વૉર્મ-અપ મેચમાં તેણે માત્ર 50 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 96 રનની તોફાની ઇનિંગ રમી હતી.
વૈભવ સૂર્યવંશી માત્ર બેટર જ નહીં, પણ એક સારા લીડર તરીકે પણ ઉભરી રહ્યા છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેણે ભારતીય અંડર-19 ટીમની કમાન સંભાળી હતી. ત્યાં રમાયેલી વનડે શ્રેણીની ત્રીજી મેચમાં તેણે આફ્રિકન બોલરોની ધોલાઈ કરતા 127 રન ફટકાર્યા હતા અને બોલિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. આ અગાઉ બીજી વનડેમાં પણ તેણે અડધી સદી ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરનાર વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અત્યાર સુધી 252 રન બનાવ્યા છે. તેના ડોમેસ્ટિક રેકોર્ડની વાત કરીએ તો, 8 ફર્સ્ટ ક્લાસ મેચમાં 207 રન અને 8 લિસ્ટ-એ મેચોમાં 353 રન તેના નામે નોંધાયેલા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ક્રિકેટના નિષ્ણાતો માને છે કે વૈભવ લાંબી રેસનો ઘોડો છે અને આગામી વર્લ્ડ કપમાં તે ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
આપણ વાંચો: વડોદરામાં રોહિત અને વિરાટનું ‘આઉટ ઑફ બૉક્સ’ સન્માન શા માટે કરાયું?



