ઇંગ્લૅન્ડમાં વૈભવની `ચલ પડી': લોકો ઑટોગ્રાફ માગે છે અને સેલ્ફી માટે પણ પડાપડી કરે છે!
સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડમાં વૈભવની `ચલ પડી’: લોકો ઑટોગ્રાફ માગે છે અને સેલ્ફી માટે પણ પડાપડી કરે છે!

બેકનમ (ઇંગ્લૅન્ડ): આઇપીએલમાં 14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કરીને પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવા ઉપરાંત 35 બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાનો વિક્રમ કર્યા બાદ ઇંગ્લૅન્ડના મેદાનો પર પણ ધૂમ મચાવી રહેલો બિહારનો વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI) બ્રિટિશરોની ધરતી પર ખૂબ લોકપ્રિય થઈ ગયો છે. આઠમા ધોરણમાં ભણતા 14 વર્ષીય વૈભવને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યો છે, પરંતુ ચાહકોમાં તે ફેમસ થવા લાગ્યો છે.

ઇંગ્લૅન્ડ (England)માં અન્ડર-19 ક્રિકેટ ટૂર પર આવેલા વૈભવને ચાહકો ઑટોગ્રાફ આપવાનો આગ્રહ કરે છે, તેની સાથે સેલ્ફી લેવા પણ કહે છે અને દૂર-દૂરથી લોકો વૈભવને જોવા અને તેની ધમાકેદાર બૅટિંગ માણવા આવે છે. યુકેમાં અન્ડર-19 મૅચોમાં પણ ધમાકેદાર ઇનિંગ્સ રમી ચૂકેલા તેમ જ એક મૅચમાં તો નવ સિક્સર ફટકારીને ભારતીય વિક્રમ તોડનાર વૈભવ વિશે બેકનમ (BECKENHAM)માં એક સ્થાનિક બાળકે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવનો ઑટોગ્રાફ લીધા ત્યાં સુધી કહ્યું કે ` વૈભવ મારો રોલ મૉડેલ છે. તેની આક્રમક બૅટિંગ સ્ટાઇલ મને ખૂબ ગમે છે.

10 દિવસ પહેલાં વૈભવે ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામેની એક વન-ડેમાં 78 બૉલમાં 143 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડમાં રહેતું ભારતીય મૂળનું એક દંપતી વૈભવની બૅટિંગ જોવા બે કલાકની મુસાફરી કરીને આવ્યું હોવાનો કિસ્સો પણ બન્યો છે.

આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશી માટે દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ વોએ આપી સલાહ, નિયત્રંણ રાખવું પડશે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button