સ્પોર્ટસ

14 વર્ષના સૂર્યવંશીએ આતશબાજી પૂરી કરી કે તરત બીસીસીઆઇએ ગિલની ફટકાબાજી જોવા મોકલી દીધો!

એજબૅસ્ટનઃ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી તાજેતરમાં જોરદાર ફટકાબાજી કરનાર 14 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશીએ બે દિવસ પહેલાં નૉટિંગમ (NOTTINGHAM)માં ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામે સિરીઝની ત્રીજી મૅચમાં વિક્રમજનક નવ સિક્સર અને છ ફોરની મદદથી માત્ર 31 બૉલમાં 86 રન ખડકી દીધા ત્યાર બાદ બીસીસીઆઇ (BCCI)એ તેની આ તૂફાની બૅટિંગથી પ્રભાવિત થઈને તેને વધુ પ્રોત્સાહન અપાવવા શુભમન ગિલ (SHUBHMAN GILL)ની બૅટિંગ જોવા એજબૅસ્ટન પહોંચી જવા કહ્યું અને ગણતરીના કલાકોમાં સૂર્યવંશી (ગુરુવારે) એક સ્ટૅન્ડમાંથી ગિલની બૅટિંગ માણી રહેલો જોવા મળ્યો હતો.

બુધવારે નૉટિંગમમાં ભારતની અન્ડર-19 ટીમે ઇંગ્લૅન્ડની જુનિયર ટીમને ત્રીજી વન-ડેમાં 33 બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી હતી. વૈભવ સૂર્યવંશી અન્ડર-19ની એક વન-ડેમાં સૌથી વધુ નવ સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બૅટ્સમૅન છે. તેણે મનદીપ સિંહનો આઠ સિક્સરનો વિક્રમ તોડ્યો હતો. લેફ્ટ-હૅન્ડ ઓપનર સૂર્યવંશી (SURYAVANSHI)એ 27 જૂનની પ્રથમ મૅચમાં 48 રન અને 30 જૂનની બીજી મૅચમાં 45 રન કર્યા હતા.
સૂર્યવંશીને ગુરુવારે ગિલની ફટકાબાજી જોવાનો લહાવો મળ્યો હતો. બુધવારે 114 રન પર નૉટઆઉટ રહેલા ગિલે ગુરુવારે 269 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી ત્યાં સુધીમાં તેણે ઘણા વિક્રમો પોતાના નામે કરી લીધા હતા. તે ત્રેવડી સદી ચૂકી ગયો હતો, પરંતુ ભારતના 93 વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં કૅપ્ટન તરીકે તેણે (શુભમન ગિલે) 269 રનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો અને વિરાટ કોહલીના છ વર્ષ જૂના 254 રનના રેકૉર્ડને બીજા નંબર પર મોકલી દીધો હતો. જોકે વિદેશી ધરતી પર ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ગિલ બીજો ભારતીય સુકાની છે. તેણે વિરાટ (2016માં વેસ્ટ ઇન્ડિઝમાં 200 રન)ની બરાબરી કરી છે.

ગુરુવારે એજબૅસ્ટનમાં ગિલે ડબલ સેન્ચુરી પૂરી કરી અને ભારતના સ્કોરને 500 રનને પાર પહોંચાડ્યો ત્યારે મેદાન પર જે સેલિબે્રશન કર્યું ત્યારે કૅમેરામૅને સ્ટૅન્ડમાં બેઠેલા સૂર્યવંશીને કૅમેરામાં કેદ કરી લીધો હતો. સૂર્યવંશીની સાથે અન્ડર-19 ટીમનો કૅપ્ટન અને આઇપીએલમાં ચેન્નઈ વતી રમનાર આયુષ મ્હાત્રે પણ બેઠો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button