સ્પોર્ટસ

વડોદરાને છેક આટલા વર્ષે મળી ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ

વડોદરા: વડોદરા શહેરને 15 વર્ષે પહેલીવાર પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના આયોજનનો અવસર મળ્યો છે. જાન્યુઆરી, 2026માં ન્યૂ ઝીલૅન્ડની ટીમ મર્યાદિત ઓવર્સની મૅચો રમવા માટે ભારતના પ્રવાસે આવશે ત્યારે (11મી જાન્યુઆરીએ) વન-ડે સિરીઝની પ્રથમ મૅચ વડોદરા (VADODARA)માં રમાશે. એ જ શ્રેણીમાં કિવીઓ (KIWIS) સામેનો 14મી જાન્યુઆરીનો બીજો મુકાબલો રાજકોટમાં થશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 આંતરરાષ્ટ્રીય તથા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેમણે વન-ડે ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખ્યું છે એ જોતાં તેઓ જાન્યુઆરીમાં વડોદરાની વન-ડે (ODI)માં જોવા મળશે એવી આશા છે.

આપણ વાંચો:  ચૉકર્સ’ છેક 9722 દિવસે બન્યા વિનર્સ’

જાન્યુઆરીની મૅચ વડોદરામાં કોટમ્બી સ્ટેડિયમમાં રમાશે જ્યાં છ મહિના પહેલાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મહિલાઓની વન-ડે સિરીઝ રમાઈ હતી. ત્યાર બાદ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની છ મૅચ પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી.

છેલ્લે ડિસેમ્બર, 2010માં વડોદરામાં રિલાયન્સ સ્ટેડિયમમાં જે આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ હતી એ પણ ન્યૂ ઝીલૅન્ડ સામે જ હતી. વર્તમાન હેડ-કોચ ગૌતમ ગંભીરે એ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. વિરાટ કોહલીએ એ મૅચમાં 63 રન કર્યા હતા. ભારતે એ મૅચ જીતી લીધી હતી.

ન્યૂ ઝીલૅન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારત આવશે ત્યારે ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ રમાશે.

આ ટી-20 સિરીઝ પછી ફેબ્રુઆરી-માર્ચ, 2026માં ટી-20નો વર્લ્ડ કપ રમાશે. ભારત હાલમાં ટી-20 ચેમ્પિયન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button