અમેરિકાના ક્રિકેટરોએ આણંદમાં પાણીપુરીની મોજ માણી
આણંદ: ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને ટી-20 વર્લ્ડ કપનું સહ આયોજન કરનાર અમેરિકાના ક્રિકેટ બોર્ડે પોતાના રાષ્ટ્રીય ખેલાડીઓને નામિબિયાની ટીમ સામે ક્રિકેટ મૅચ રમવા માટે ભારત મોકલ્યા છે. જોકે એ પહેલાં અમેરિકાના ક્રિકેટરોએ ગુજરાતમાં થોડું સ્ટ્રીટ ફૂડ માણ્યું હતું. ખાસ કરીને તેમણે આણંદમાં પાણી પુરીની ખૂબ મોજ માણી હતી.
આઇસીસી વર્લ્ડ કપનો ક્વૉલિફાઈંગ રાઉન્ડ ચાલી રહ્યો છે અને એના લીગ-2 ગ્રૂપમાં અમેરિકા અને નામિબિયાનો સમાવેશ છે.
Also read: બુમરાહને દરેક સિરીઝમાં રમાડવાનું ટાળોઃ ભારતને સાઉથ આફ્રિકાના ક્રિકેટરની સલાહ
નામિબિયા સામેની મૅચ અગાઉ અમેરિકાના ખેલાડીઓને થોડું સ્ટ્રીટ ફૂડ માણવાની ઈચ્છા થઈ અને તેઓ આણંદમાં એક ફેમસ પાણીપુરીવાળાને ત્યાં પહોંચી ગયા હતા. દરેક ખેલાડીએ સંખ્યાબંધ ટેસ્ટી પાણીપુરીની મોજ કરી હતી.
આ ખેલાડીઓમાં સંજય કૃષ્ણમૂર્તિ, આરૉન જોન્સ અને ઉત્કર્ષ શ્રીવાસ્તવ વગેરે ખેલાડીઓનો સમાવેશ હતો.
અમેરિકાના ક્રિકેટરોએ આણંદમાં પાણીપુરીની લહેજત માણી એનો વીડિયો વાઈરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે છઠ્ઠી જૂને ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમે પાકિસ્તાનને ટાઈમાં હરાવીને સનસનાટી બચાવી દીધી હતી. આણંદમાં પાણીપુરી સહિતનું સ્ટ્રીટ ફૂડ માણ્યા પછી નામિબિયા સામેની મૅચ માટેની પ્રેક્ટિસ કરનાર અમેરિકાના ખેલાડીઓમાંથી આરૉન જોન્સ એવો ટોચનો બેટર છે જેણે ગયા વર્ષે વર્લ્ડ કપમાં બાબર આઝમની ટીમ સામે બે સિક્સર અને બે ફોરની મદદથી 26 બૉલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તેણે મૅચને ટાઈ કરાવવામાં સૌથી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને પછી સુપર ઓવરમાં 11 રન બનાવ્યા હતા. અમેરિકા એ સુપર ઓવરમાં મૅચ જીતી ગયું હતું.
38 બૉલમાં 50 રન બનાવનાર અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે એમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો.