સચિન, ગાવસકર, રિચર્ડ્સ, અકરમ જેની સાથે સંકળાયેલા છે એ અમેરિકાની ક્રિકેટ લીગ પર મુકાયો પ્રતિબંધ!

નવી દિલ્હીઃ તાજેતરમાં જ અમેરિકામાં શરૂ કરવામાં આવેલી નૅશનલ ક્રિકેટ લીગ (એનસીએલ) દ્વારા મૅચની પ્લેઇંગ-ઇલેવનને લગતા નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ લીગ ટૂર્નામેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ લીગ ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી અને એના બ્રૅન્ડ ઍમ્બેસેડર તરીકે વિવિયન રિચર્ડ્સ તથા વસીમ અકરમની નિયુક્તિ કરવામાં આવી હતી તેમ જ સચિન તેન્ડુલકર તથા સુનીલ ગાવસકર આ લીગની માલિકીના હિસ્સા તરીકે હતા.
એનસીએલ પરના આ પ્રતિબંધ સંબંધમાં આઇસીસીએ યુએસએ ક્રિકેટ (અમેરિકાના ક્રિકેટ બોર્ડને) પત્ર પણ મોકલ્યો છે અને પ્રતિબંધ સંબંધિત કારણો એમાં જણાવ્યા છે.
આઇસીસીના પ્લેઇંગ-ઇલેવન વિશેના નિયમો મુજબ આ લીગની મૅચના અગિયાર ખેલાડીઓમાં અમેરિકાના ક્રિકેટ બોર્ડ સાથે કે અસોસિયેટ રાષ્ટ્રો સાથે સંકળાયેલા ઓછામાં ઓછા સાત ખેલાડી હોવા જરૂરી છે, પરંતુ એનસીએલે એ નિયમનો ભંગ કર્યો છે.
આ પણ વાંચો : માર્ક ટેલરે ભારતીય ખેલાડીઓને કહ્યું, `સિરાજને જરા સમજાવો, તે અમ્પાયરના નિર્ણય પહેલાં જ…’
ઑક્ટોબરમાં એનસીએલની જોરશોરથી શરૂઆત થઈ હતી. લેજન્ડરી ક્રિકેટર્સના નામ એની સાથે જોડાતાં આ લીગ લોકપ્રિય થવા લાગી હતી.
જોકે લીગની કેટલીક મૅચોમાં પ્લેઇંગ-ઇલેવન સંબંધિત નિયમનું ઉલ્લંઘન થયું હોવાનું આઇસીસીની જાણમાં આવ્યું હતું. આ લીગ માટેના મેદાનો પરની પિચ પણ ઊતરતી કક્ષાની હોવાનું આઇસીસીને જણાયું હતું, કારણકે એવી પિચ પર બૅટર્સને ઈજા ન થાય એ માટે થઈને વહાબ રિઆઝ અને ટાયમલ મિલ્સ જેવા ફાસ્ટ બોલર્સે સ્પિન બોલિંગ કરવી પડી હતી.
અમેરિકામાં ક્રિકેટની રમતનો ફેલાવો વધી રહ્યો છે. દેશમાં થોડા સમયની અંદર ઘણી ટી-20 અને ટી-10 લીગ સ્પર્ધા શરૂ થઈ છે. 60 જેટલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો એ લીગ ટૂર્નામેન્ટો સાથે સંકળાયેલા છે.