અલ્કારાઝ નંબર-વન બની શકે, જૉકોવિચ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં…
બાવીસ વર્ષના સ્પૅનિશ યુવા ખેલાડીનો 38 વર્ષના સર્બિયન સુપરસ્ટાર સામે સેમિ ફાઇનલમાં મુકાબલો

ન્યૂ યૉર્કઃ યુએસ ઓપનના સેમિ ફાઇનલ (semi final) મુકાબલામાં 38 વર્ષના નોવાક જૉકોવિચ અને બાવીસ વર્ષના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે સેમિ ફાઇનલમાં ટક્કર થશે. સ્પેનના અલ્કારાઝને આ ટૂર્નામેન્ટ સતત બીજી વાર જીતીને ઇટલીના યાનિક સિનરના સ્થાને વર્લ્ડ નંબર-વન થવાની તક છે.
જ્યારે જૉકોવિચ વિક્રમજનક પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં છે. મહિલાઓમાં જેસિકા પેગુલા અને અરીના સબાલેન્કા વચ્ચે ગુરુવારે સેમિ ફાઇનલમાં મુકાબલો થશે.
પેગુલા (pegula)નો ક્વૉર્ટર ફાઇનલમાં બાર્બોરા ક્રેસિકોવા સામે 6-3, 6-3થી વિજય થયો હતો. બીજી ક્વૉર્ટરમાં વૉન્ડ્રુસોવા સામે વૉકઓવર મળી જતાં સબાલેન્કાને સીધો સેમિમાં પ્રવેશ મેળવી લીધો હતો.
ક્વૉર્ટર ફાઇનલમાં જૉકોવિચે ટેલર ફ્રિટ્ઝને 6-3, 7-5, 3-6, 6-4થી હરાવ્યો હતો. બીજી ક્વૉર્ટરમાં અલ્કારાઝે લેહેકાને 6-4, 6-2, 6-4થી પરાજિત કરીને સેમિમાં પ્રવેશ કર્યો હતો.
બાવીસ વર્ષનો અલ્કારાઝ 23 વર્ષની ઉંમર પહેલાં નવમી વખત ગ્રેન્ડ સ્લૅમની સેમિમાં પહોંચ્યો છે અને માત્ર રાફેલ નડાલથી પાછળ છે. નડાલે 23મા વર્ષમાં પહોંચતા પહેલાં 10 વખત સેમિમાં પ્રવેશ કર્યો હતો.