વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર ફૅનને ટુવાલ આપવા ગયો, બીજા પ્રેક્ષકે કિટમાંથી કંઈક ચોરી લેવાની કોશિશ કરી!

ન્યૂ યૉર્કઃ કોઈ ખેલાડી ચાહકોને મળવા તેમની નજીક જાય ત્યારે નજીકમાં ઊભેલો કોઈ પ્રેક્ષક એ પ્લેયરની કિટમાંથી ચોરી કરવાની હિંમત કરે એવું બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ બે દિવસ પહેલાં હકીકતમાં આવું બની ગયું.
આ ઘટના કોઈ નાનાસૂના ખેલાડી સાથે નહીં, પણ ચાર ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી યાનિક સિનર (Jannik Sinner) સાથે બની ગઈ.
ઇટલીનો ટૉપ-સીડેડ ખેલાડી સિનર અહીં ચાલી રહેલી યુએસ ઓપનની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કઝાખસ્તાનના ઍલેક્ઝાન્ડર બુબ્લિક સામે 6-1, 6-1, 6-1થી જીત્યા બાદ પોતાની કિટ પૅક કરીને જઈ રહ્યો હતો.
ત્યારે કેટલાક ચાહકોએ તેને પોતાની તરફ આવવાની વિનંતી કરી હતી. કેટલાક ફૅન્સ તેની સાથે હાથ મિલાવવા માગતા હતા તો કેટલાક તેના ઑટોગ્રાફ અને સેલ્ફી ઇચ્છતા હતા.
સિનર તેમાંના કેટલાક ચાહકોની નજીક ગયો અને પોતે મૅચ દરમ્યાન વાપરેલો ટુવાલ (Towel) એક ફૅનને આપી રહ્યો હતો ત્યારે નજીકમાં ઊભેલા એક યુવાને (Youth) સિનરને કંઈક કહ્યા પછી તેની કિટ (Kit)ની ઝિપ ખોલવાની કોશિશ કરી હતી. જોકે બીજી જ ક્ષણે નજીકમાં ઊભેલા સિક્યૉરિટી ગાર્ડે એ યુવાનને દૂર હટાવી દીધો હતો.
મૅચ રમીને થાકી ગયેલા ખુદ સિનરે ફરીને જોયું કે પોતાની સાથે શું બની રહ્યું છે. જોકે તે ચોરી કરી રહેલા પેલા યુવાનને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો. પેલો યુવાન શરમમાં મુકાઈ ગયો હતો.
2024માં યુએસ ઓપનનું ટાઇટલ પહેલી વાર જીતી ચૂકેલો યાનિક સિનર આ વખતની સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. તે હાલમાં બહુ સારા ફૉર્મમાં છે. કવૉર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો તેના જ દેશના લૉરેન્ઝો મુસેટી સામે થશે.
આ પણ વાંચો…યાનિક સિનર ઈટલીનો પ્રથમ વિમ્બલ્ડન ચેમ્પિયન, આટલા રૂપિયાનું તોતિંગ ઇનામ જીત્યો…