અનફિટ અને ઈજાગ્રસ્ત ઍમ્બપ્પે ફ્રાન્સને ટ્રોફી અપાવવા મક્કમ
હૅમ્બર્ગ: કીલિયાન ઍમ્બપ્પેના સુકાનમાં શુક્રવારે યુરો-2024માં ફ્રાન્સે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો એ સાથે ફ્રાન્સમાં ઍમ્બપ્પેની વાહ-વાહ થવા લાગી છે.
ઍમ્બપ્પેને નાક પર ગંભીર ઈજા છે અને તે થોડા દિવસથી માસ્ક પહેરીને રમે છે અને શુક્રવારની મૅચ તે પૂરી રમ્યો પણ નહોતો, પરંતુ તેના સુકાનમાં ફ્રાન્સને 24 વર્ષે ફરી યુરોનો તાજ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. ફ્રાન્સ 1984માં અને 2000માં યુરોની ટ્રોફી જીત્યું હતું અને હવે ત્રીજા ચૅમ્પિયનપદથી માત્ર બે ડગલાં દૂર છે.
આ પણ વાંચો: યુરો-2024માં ક્વૉર્ટર ફાઇનલના હરીફો નક્કી થઈ ગયા : જાણો તારીખ અને પ્રસારણના સમય…
મંગળવારની સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો સ્પેન સાથે થશે. સ્પેને ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન જર્મનીને 2-1થી હરાવ્યું હતું.
ઍમ્બપ્પેએ શુક્રવારે પોર્ટુગલ સામેની મૅચની શરૂઆત પહેલાં જ કબૂલ્યું હતું કે પોતે 100 ટકા ફિટ નથી. એક્સ્ટ્રા-ટાઇમની શરૂઆત વખતે પોર્ટુગલ અને ફ્રાન્સ 0-0ની બરાબરીમાં હતા અને એક્સ્ટ્રા-ટાઇમના ફર્સ્ટ-હાફ બાદ ઍમ્બપ્પે પોતે જ અનફિટ હોવા બદલ નીકળી ગયો હતો કે જેથી કરીને બીજો કોઈ ખેલાડી તેનો સબસ્ટિટ્યૂટ બનીને ફ્રાન્સને વિજય અપાવી શકે.
પચીસ વર્ષનો ઍમ્બપ્પે પૂર્ણપણે ફિટ નથી, પણ તે ફ્રાન્સને યુરોનું ત્રીજું ટાઇટલ અપાવવા કોઈ કસર બાકી નથી રાખવાનો.