વૈભવના સાત છગ્ગા, નવ ચોગ્ગા, વર્લ્ડ કપ પહેલાં આ દેશને પરચો બતાવી દીધો

બુલવૅયોઃ 14 વર્ષના ટૅલન્ટેડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)ની સમગ્ર ક્રિકેટ જગતમાં બોલબાલા છે અને એની ઝલક સ્કૉટલૅન્ડ (Scotland)ની ક્રિકેટ ટીમે અહીં શનિવારે જોઈ લીધી હતી, જેમાં તેણે સાત છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 50 બૉલમાં 96 રનનો ખડકલો કરીને ભારતની અન્ડર-19 ટીમને ખૂબ જ સારી સ્થિતિમાં લાવી દીધી હતી.
ઝિમ્બાબ્વેના બુલવૅયો (Bulawayo)માં ગુરુવાર, 15મી જાન્યુઆરીએ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ પહેલાં વન-ડે વૉર્મ-અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. એમાં શનિવારે સૂર્યવંશીએ સ્કૉટલૅન્ડના ખેલાડીઓને પોતાનું ફૉર્મ પ્રત્યક્ષ બતાવી દીધું હતું. કૅપ્ટન આયુષ મ્હાત્રે (બાવીસ રન) 70 રનની સૂર્યવંશી સાથેની પ્રારંભિક ભાગીદારી કરીને આઉટ થઈ ગયો હતો, પણ ખુદ સૂર્યવંશીએ આરૉન જ્યોર્જ (61 રન) સાથે પણ મોટી પાર્ટનરશિપ કરી હતી. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી.
સૂર્યવંશી ફક્ત ચાર રન માટે સેન્ચુરી ચૂકી ગયો એનો તેને અફસોસ જરૂર હશે, પરંતુ તેણે બૅટિંગમાં ટીમ માટે જે પાયો નાખી આપ્યો હતો એની ઘણી સારી અસર થઈ હતી, કારણકે પછીથી વિહાન મલ્હોત્રા (77 રન) અને વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુ (પંચાવન રન)એ પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. ટૂંકમાં, ટોચના પાંચમાંથી ચાર બૅટ્સમેને હાફ સેન્ચુરી કરી હતી અને ટીમનો સ્કોર 325-પ્લસ થઈ શક્યો હતો. 45મી ઓવરને અંતે ભારતીય ટીમનો સ્કોર પાંચ વિકેટે 331 રન હતો. થૉમસ નાઇટ સ્કૉટલૅન્ડનો કૅપ્ટન છે.
અન્ડર-19 વર્લ્ડ કપમાં કુલ 20 દેશની ટીમ ભાગ લેશે. ભારતના ગ્રૂપ-બીમાં બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ અને યુએસએ પણ છે. 15મી જાન્યુઆરીએ ભારતની પ્રથમ મૅચ (બપોરે 1.00 વાગ્યાથી) યુએસએ સામે રમાવાની છે.



