અપરાજિત ભારતને આઠમા વ્હાઇટ વૉશની તક: ટીમમાં ત્રણ ફેરફાર થઈ શકે: બેન્ગલૂરુમાં રનોત્સવની સંભાવના
બેન્ગલૂરુ: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં રમાયેલી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં ભારતનો જીત-હારનો હિસાબ બરાબરીનો છે અને બુધવારે નવું પ્રકરણ શરૂ થઈ શકે એમ છે. અફઘાનિસ્તાન સામેની આ મૅચ પણ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપની 3-0થી એનો વ્હાઇટ વૉશ પણ કરી શકે એમ છે. યાદ રહે, જૂનના ટી-20 વર્લ્ડ કપ પહેલાંની ભારતની આ આખરી ટી-20 મૅચ છે. હા, માર્ચ-મેની આઇપીએલમાં ભરપૂર ટી-20 મૅચો જ રમાવાની છે.
ડિસેમ્બર 2012થી ડિસેમ્બર 2023 સુધીમાં બેન્ગલૂરુના આ વિશ્ર્વવિખ્યાત સ્થળે ભારત છ ટી-20 રમ્યું છે જેમાંથી ત્રણ જીત્યું છે અને ત્રણ હાર્યું છે. હવે જો ભારત હારશે તો જીત-હારનો રેશિયો 3-4થી થશે અને ભારત જીતશે તો 4-3નો થશે. ઇબ્રાહિમ ઝડ્રાનના સુકાનમાં અફઘાનિસ્તાનની ટીમ પહેલી બંને મૅચ હારી ગઈ છે અને હવે બેન્ગલૂરુમાં પણ હારશે તો ભારતે 3-0થી ક્લીન સ્વીપ કરી કહેવાશે.
ખાસ બાબત એ છે કે ભારતીયો ઘરઆંગણે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય દ્વિપક્ષી મેન્સ ટી-20 સિરીઝ હાર્યા નથી. વર્તમાન સિરીઝ સહિત 13 શ્રેણી જીત્યા છીએ અને બે સિરીઝ ડ્રૉમાં પરિણમી છે. રોહિત શર્માની ટીમ બુધવારની ત્રીજી મૅચ પણ જીતી લેશે તો ભારતે હોમ-ગ્રાઉન્ડ પર આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં હરીફોનો આઠમો વ્હાઇટ વૉશ કર્યો કહેવાશે. છેલ્લે ભારતે ફેબ્રુઆરી 2021-’2022માં ન્યૂ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાને 3-0થી પરાસ્ત કર્યા હતા.
અફઘાનિસ્તાન સામે ભારત સિરીઝ જીતી ચૂક્યું છે એટલે હવે ત્રીજી મૅચમાં થોડા અખતરા થઈ શકે એમ છે. સંજુ સૅમસન, કુલદીપ યાદવ અને આવેશ ખાનને રમવાનો મોકો મળશે તો નવાઈ નહીં લાગે. હેડ-કોચ રાહુલ દ્રવિડનો રેકૉર્ડ જોઈએ તો તે સિરીઝ માટેની સ્ક્વૉડમાં સિલેક્ટ થયેલા બધા જ ખેલાડીને એક કે વધુ મૅચમાં રમવાનો મોકો આપે છે. એ જોતાં આ ત્રણેયને અથવા ત્રણમાંથી એક કે બે ખેલાડીને અફઘાનિસ્તાન સામેની ત્રીજી મૅચમાં રમવાની તક મળશે તો નવાઈ નહીં લાગે.
જોકે, કૅપ્ટન રોહિત શર્માની નીતિ થોડી અલગ છે. તે પ્લેઇંગ-ઇલેવનમાં જલદી ફેરફાર નથી કરતો. એ જોતાં જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ માટેના તેના પ્લાનમાં જે ખેલાડીઓ હશે તેમને વધુને વધુ તક આપી શકે. વિકેટકીપર-બૅટર જિતેશ શર્માએ અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી-20માં 31 રન બનાવ્યા હતા, પણ બીજી મૅચમાં ઝીરોમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો.
એ જોતાં ત્રીજી મૅચમાં જિતેશ ફરી રમતો જોવા મળશે અને સૅમસનને તક નહીં મળે તો નવાઈ નહીં લાગે. રવિ બિશ્ર્નોઈ (0/35 અને 2/39)ને પણ ત્રીજી મૅચમાં રમાડવાનું રોહિત નક્કી કરશે તો કુલદીપ યાદવનો ચાન્સ ન પણ લાગે. હા, સિરીઝમાં એકેય વિકેટ ન લઈ શકનાર વૉશિંગ્ટન સુંદરને ત્રીજી મૅચમાં નહીં રમાડાય તો આશ્ર્ચર્ય નહીં થાય. જોકે અર્શદીપ સિંહ કે મુકેશ કુમારના સ્થાને આવેશ ખાનને મોકો મળી શકે.
બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 202/5નો સ્કોર હાઇએસ્ટ છે જે ભારતના નામે છે. આ જ સ્થળે બીજી બે વખત 190 કે વધુ ટીમ-સ્કોર નોંધાઈ ચૂક્યા છે જે ઑસ્ટ્રેલિયા (194/3) અને ભારત (190/4)ના નામે છે.