ટીમ ઇન્ડિયા સાથે અમ્પાયર ધર્મસેનાએ બેઇમાની કરી? ક્રિકેટપ્રેમીઓએ લગાવ્યો આરોપ

લંડનઃ ઓવલ ટેસ્ટના પ્રથમ દિવસે મેઘરાજાએ તો ભારતીયોને પરેશાન કર્યા જ હતા, ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને અમ્પાયર કુમાર ધર્મસેના (Kumar Dharmasena)ના એક સંકેતે ટીમ ઇન્ડિયાને ચોંકાવી દીધી હતી અને યજમાન બ્રિટિશ ટીમની આડકતરી તરફેણ કરી હતી. સાઇ સુદર્શન વિરુદ્ધ લેગ બિફોર વિકેટ (એલબીડબ્લ્યૂ)ની અપીલ (Appeal)માં ધર્મસેનાએ એવો ઇશારો કર્યો કે જે સીધો ઇંગ્લૅન્ડની ટીમને ફાયદો કરાવનારો હતો.
એક તો સિરીઝમાં બ્રિટિશ ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ (Team India)ની કારણ વગર પજવણી કરી છે અને શ્રેણીમાં ભારત 1-2થી પાછળ રહેવાની સાથે હવે વર્તમાન ટેસ્ટ જીતીને સિરીઝ 2-2ની બરાબરીમાં લાવવા ઝઝૂમી રહી છે ત્યાં ધર્મસેનાનો આવો એક સંકેત મોટો વિવાદ ઊભો કરી શકે એવો છે. સોશિયલ મીડિયામાં ધર્મસેના પર આરોપ છે કે તેમણે નિયમને ચાતરીને ઑલી પૉપની ટીમની મદદ કરી.
વાત એવી છે કે ગુરુવારના પ્રથમ દિવસના પહેલા સત્રમાં જૉશ ટન્ગના એક બૉલમાં સુદર્શન વિરુદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ થઈ ત્યારે ધર્મસેનાએ તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો. જોકે આ જ ફેંસલો આપતી વખતે તેમણે કંઈક એવું કર્યું જેને સોશિયલ મીડિયામાં ફિક્સિંગ’ સાથે સરખાવવામાં આવી રહ્યું છે. સુદર્શન સામેની અપીલ વખતે સુદર્શન ટન્ગનો બૉલ રમતી વખતે પડી ગયો હતો. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ અપીલ કરી ત્યારે ધર્મસેનાએ આંગળીથી એવો સંકેત આપ્યો કે તાબડતોબ બ્રિટિશ ટીમને ફાયદો થયો હતો.
ધર્મસેનાએ સુદર્શનને નૉટઆઉટ આપતી વખતે ઇશારો કર્યો કે બૉલ સુદર્શનના પૅડને લાગતાં પહેલાં તેના બૅટને અડ્યો હતો. એ સંકેત જોઈને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)ની મદદ નહોતી લીધી. ક્રિકેટપ્રેમીઓનું કહેવું છે કે ધર્મસેનાએ બ્રિટિશ ખેલાડીઓને ઇશારાથી મદદ કરીને ભારતીય ટીમ સાથે ચીટિંગ કરી. ક્રિકેટ ફૅન્સનું એવું પણ કહેવું છે કે ધર્મસેનાએ શા માટે ઇંગ્લૅન્ડના ખેલાડીઓને આડકતરી રીતે બતાવ્યું કે બૅટ પર બૉલ વાગ્યો હતો.
ક્રિકેટમાં ડીઆરએસની સુવિધા છે તો ઇંગ્લૅન્ડના ખેલાડીઓ એ લઈ શક્તા હતા. જો ધર્મસેનાએ તેમને બૅટ સાથે બૉલનો સંપર્ક થયો હતો એવું ઇશારાથી ન બતાવ્યું હોત તો બ્રિટિશ ટીમે રિવ્યૂ લીધી હોત અને તેમની એ રિવ્યૂ ખોટી સાબિત થાત જેનાથી મૅચમાં આગળ જતાં ભારતીય ટીમને ફાયદો થયો હોત.’
આ પણ વાંચો: ઓવલમાં શુભમન ગિલના રેકૉર્ડનો વરસાદ, સોબર્સ-ગાવસકરને પાછળ રાખી દીધા!