શું અમ્પાયરે શુક્રવારે ટાઇ બાદ સુપર ઓવર ન આપીને બ્લન્ડર કર્યું હતું?
કોલંબો: શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સતત બીજી મૅચ ટાઇમાં પરિણમી હતી. જોકે એ બેમાંથી પહેલી ટાઇ મૅચ ટી-20 સિરીઝમાં 30મી જુલાઈએ થઈ હતી જેમાં ભારતે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. જોકે શુક્રવારની બીજી ટાઇ વન-ડેમાં હતી અને એને અમ્પાયરોએ છેલ્લે ટાઇ તરીકે જ ગણાવી હતી અને બન્ને ટીમ 0-0ની બરાબરીમાં રહી હતી.
શુક્રવારે 44મી વન-ડે ટાઇ થઈ હોવાનું રેકૉર્ડ-બુકમાં આવ્યું હતું. જોકે કેટલાક અહેવાલો અનુસાર આઇસીસીની વન-ડેને લગતી પ્લેઇંગ કન્ડિશન્સ ચકાસતાં ખબર પડી છે કે નવા (સુધારેલા) નિયમ મુજબ ભારત-શ્રીલંકાની એ મૅચમાં ટાઇ બાદ સુપર ઓવર થવી જોઈતી હતી.
આ પણ વાંચો : IND vs SL 2nd ODI: શ્રીલંકાએ ટોસ જીતી આ નિર્ણય કર્યો; ટીમમાં આ ખેલાડીઓની એન્ટ્રી
ડિસેમ્બર, 2023થી આઇસીસીનો જે નિયમ સુધારા-વધારા બાદ અસ્તિત્વમાં છે એમાં એવું જણાવાયું છે કે ‘જો વન-ડે ઇન્ટરનૅશનલ ટાઇ થાય કે અનિર્ણીત રહે તો સુપર ઓવર રમાશે. જો સુપર ઓવર પણ ટાઇ થાય તો વિજેતા નક્કી થાય ત્યાં સુધી સુપર ઓવર રમાતી રહેશે. જો વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર ન રાખી શકાય કે સુપર ઓવર પૂરી ન કરી શકાય તો એ મૅચ ટાઇ ગણાશે.’
શુક્રવારે અમ્પાયરોએ ભારત-શ્રીલંકાની ટાઇ બાદ સુપર ઓવર જાહેર ન કરીને બ્લન્ડર કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
જોકે કોલંબોમાં એ દિવસે વરસાદ પડવાની આગાહી હતી અને એવું મનાય છે કે મૅચ ટાઇમાં પરિણમ્યા બાદ અમ્પાયરોએ વરસાદને લીધે સુપર ઓવર નહોતી રાખી કે તેઓ સાત મહિના પહેલાં બનેલા નવા નિયમથી અજાણ હતા એટલે તેમણે સુપર ઓવરની જાહેરાત નહોતી કરી.