અમ્પાયરે બૅટરને કહ્યું ‘પાછો જા’, પણ ફીલ્ડિંગનો કૅપ્ટન બોલ્યો ‘જા, બૅટિંગ કર’… શું છે આખો મામલો?
ઢાકા : મંગળવારે અહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં એક અજબ કિસ્સો બની ગયો. અમ્પાયરે ચિતાગોંગ કિંગ્સના બૅટર ટૉમ ઑકોનેલને ‘ટાઈમ્ડ આઉટ’ના નિયમ આઉટ જાહેર કરીને પૅવિલિયનમાં પાછા જતા રહેવા કહ્યું હતું, પરંતુ ફીલ્ડિંગ-ટીમ ખુલના ટાઇગર્સના કેપ્ટન અને બાંગ્લાદેશના જાણીતા ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝે ખેલદિલી બતાવીને ટૉમને બૅટિંગમાં પાછા આવવા કહ્યું હતું.
ચિતાગોંગ ટીમે 204 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો. આઇસીસીના નિયમ મુજબ ઑસ્ટ્રેલિયન સ્પિનર ટૉમે એક વિકેટ પડ્યા પછી નવા બૅટર તરીકે બૅટિંગ માટે ત્રણ મિનિટની અંદર બૅટિંગ માટે ક્રીઝમાં આવી જવાનું હતું. જોકે તેને આવતા મોડું થયું એટલે મિરાઝે અમ્પાયરને એનું કારણ પૂછ્યું. એટલી વારમાં ટૉમ આવી ગયો અને અમ્પાયરોએ તેને કહ્યું કે ‘ટાઈમ્ડ આઉટના નિયમ મુજબ તું ત્રણ મિનિટમાં આવીને બૅટિંગ માટે તૈયાર ન થયો એટલે તને અમે આઉટ જાહેર કરીએ છીએ.’
જોકે ટૉમ નિરાશ થઈને ડગ-આઉટ તરફ જઈ રહ્યો હતો ત્યારે મિરાઝે તેને કહ્યું કે ‘હરીફ ટીમના કેપ્ટન તરીકે હું તને કહું છું કે જા, બૅટિંગ કર.’ પછીથી ચિતાગોંગના કેપ્ટન મોહમ્મદ મિથુને પત્રકારોને કહ્યું હતું કે ‘અમારા બૅટર ટૉમને અમ્પાયરે નિયમ મુજબ જ આઉટ જાહેર કર્યો હતો. જોકે ખેલદિલી બતાવવા બદલ હું હરીફ સુકાની મિરાઝનો આભાર માનું છું. ખરેખર તો અમારી વિકેટ એટલી બધી જલ્દી પડી રહી હતી કે સાતમા નંબરે રમવાનું હોવા છતાં ટૉમને બૅટિંગ માટે જતાં પહેલાં તૈયાર રહેવાનો સમય જ નહોતો મળ્યો. એટલે જ તે મેદાન પર મોડો ઊતર્યો હતો. જોકે મિરાઝે મોટું મન રાખીને તેને પાછો રમવા બોલાવ્યો એ બદલ હું મિરાઝને બિરદાવું છું.’
Also Read ….. તો સિડનીમાં ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારશે, જાણો કારણ?
આશ્ચર્યની વાત એ પણ છે કે 204 રનના ટાર્ગેટ સામે ચિતાગોંગનો બૅટર ટૉમ ‘ટાઈમ્ડ આઉટ’ની ઘટના બાદ બૅટિંગમાં આવ્યો ત્યારે ચિતાગોંગનો સ્કોર 56/5 હતો અને ટૉમ પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. બીજી નવાઈ એ છે કે શોર્ટ મિડ-વિકેટ પર મિરાઝે જ તેનો આસાન કૅચ પકડ્યો હતો. ચિતાગોંગ ટીમ શમીમ હોસેઈનના લડાયક 78 રનની મદદથી બનેલા 166 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ખુલના ટાઇગર્સ ટીમનો 37 રનથી વિજય થયો હતો.