યુરોમાં આજે ઇંગ્લૅન્ડ અને સ્પેન બન્નેને ઐતિહાસિક ટાઇટલ જીતવાનો મોકો, જાણો કેવી રીતે?
શનિવારે 17મો જન્મદિન ઉજવનાર સ્પેનના યમાલ પર આજે સૌની નજર રહેશે
બર્લિન: જર્મનીના પાટનગરમાં આજે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) એવા બે દેશ વચ્ચે યુઇફા યુરો-2024 ફૂટબૉલ સ્પર્ધાની ફાઇનલમાં મુકાબલો થવાનો છે જેમને અલગ રીતે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. આજની ફાઇનલ બર્લિનના ઐતિહાસિક સ્ટેડિયમમાં રમાશે.
સ્પેન આ વખતના યુરોમાં અપરાજિત રહ્યું છે. તમામ છ મૅચ જીતીને યુરોની ફાઇનલમાં પહોંચનારી આ પહેલી જ ટીમ છે.
ઇંગ્લૅન્ડનો દાવો છે કે સૉકરની રમતનો ઉદ્ભવ પોતાને ત્યાં થયો હતો. જોકે આ દેશની ફૂટબૉલ ટીમ યુઇફા યુરોના 64 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ચૅમ્પિયન નથી બન્યું એટલે આજે એને પહેલી વાર ઐતિહાસિક ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. 2020માં આ દેશની ટીમ ઘરઆંગણે આયોજિત યુરોની ફાઇનલમાં પહોંચ્યા પછી ઇટલી સામે 1-1ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 2-3થી હારી ગઈ હતી. જોકે હૅરી કેનની ટીમ આ વખતે ટ્રોફી જીતવા ફરી મળેલો મોકો ગુમાવશે તો એની સૉકરપ્રેમી પ્રજાએ મોટો આઘાત સહન કરવો પડશે.
ઇંગ્લૅન્ડ ફૂટબૉલની મોટી ટ્રોફી છેક 1966માં ફિફા વર્લ્ડ કપમાં જીત્યું હતું. ત્યાર પછીના 58 વર્ષમાં ઇંગ્લૅન્ડના નસીબમાં ક્યારેય ફૂટબૉલની મોટી ટ્રોફી નથી આવી.
બીજી બાજુ, સ્પેનને વિક્રમજનક ચોથી વાર યુઇફા યુરોમાં ચૅમ્પિયન બનવાની સોનેરી તક મળી છે. સ્પેન 1964માં, 2008માં અને 2012માં ચૅમ્પિયન બન્યું હતું. જર્મનીની જેમ સ્પેન વિક્રમજનક ત્રણ વાર યુરો ચૅમ્પિયન બન્યું છે, પરંતુ આજે ચોથી ટ્રોફી જીતીને સ્પેન યુરો જીતનાર નંબર-વન દેશ બની શકશે.
આ પણ વાંચો : સ્પેનને યુરોની ફાઇનલમાં પહોંચાડનાર ટીનેજરને નાનપણમાં કોણે નવડાવ્યો હતો જાણો છો?
અલ્વેરો મૉરાટા સ્પેનનો અને હૅરી કેન ઇંગ્લૅન્ડનો કૅપ્ટન છે.
આજની ફાઇનલમાં સૌની નજર સ્પેનના ટીનેજ ખેલાડી લેમિન યમાલ (Lamine Yamal) પર રહેશે. તેણે શનિવારે 17મો બર્થ-ડે ઉજવ્યો હતો.
ફાઇનલ મુકાબલો બર્લિનના ઑલિમ્પિયાસ્ટેડિયનમાં રમાવાની છે. આ સ્ટેડિયમ 1936ની ઑલિમ્પિક ગેમ્સ માટે બન્યું હતું, એમાં 71,000 પ્રેક્ષકો બેસી શકે એટલી જગ્યા છે, 2006માં આ મેદાન પર ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રમાઈ હતી જેમાં ફ્રાન્સના કૅપ્ટન ઝિનેડીન ઝિદાને ઇટલીના માર્કો મૅટરાઝીને છાતીમાં માથું માર્યું હતું.