સ્પોર્ટસ

સ્પેન-ઇંગ્લૅન્ડ છ વર્ષે ફરી સામસામે: આવતી કાલે ફાઈનલમાં જંગ

જાણો હેડ-ટુ-હેડ મુકાબલાઓમાં કોનો હાથ ઉપર છે

બર્લિંન: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં ફાઈનલ જંગની ચરમસીમાનો સમય નજીક આવી ગયો છે. સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ નિર્ણાયક મુકાબલો (ભારતીય સમય અનુસાર રવિવારે મધરાત બાદ 12:30 વાગ્યે) શરૂ થશે અને એ સાથે યુરો ચેમ્પિયનશિપમાં નવો ઇતિહાસ લખાવાનો શરૂ થશે. બંને દેશની ટીમ છ વર્ષ બાદ સામસામે આવી રહી છે.

24 ટીમ વચ્ચેના ચાર અઠવાડિયાના યુરો જંગમાં હવે ફાઈનલના આરંભની ઘડીઓ ગણાઈ રહી છે.
અપરાજિત સ્પેનની ટીમનો પર્ફોર્મન્સ આખી ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રહ્યો છે. રૉડ્રી અને અલ્વારો મૉરાટા ખેલાડીઓએ સ્પેનની ટીમને આક્રમક બનાવી છે તો લેમિન યમાલ અને નિકો વિલિયમ્સ જેવા નવા ખેલાડીઓએ પોતાની ટેલન્ટથી હરીફોને ઊંઘતા ઝડપી લીધા છે.

અણધાર્યા અપ્રોચવાળી સ્પેનની આ ટીમ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈટલી, યજમાન જર્મની તેમ જ સૌથી ડેન્જરસ ફ્રાન્સની ટીમનું કંઈ નહોતું ચાલ્યું એટલે હવે ઇંગ્લૅન્ડની ટીમ માટે ફાઇનલ જીતવી અત્યંત કઠિન છે.

જો ઇંગ્લૅન્ડની ટીમ પર્ફોર્મન્સની બાબતમાં જરા પણ કચાશ રાખશે તો સ્પેનની ટીમ આ ટાઈટલ ચોથી વાર જીતવાનો વિક્રમ કરી જ દેશે.

લુઈસ ફૂન્ટે સ્પેનની ટીમના અને ગારેથ સાઉથગેટ ઇંગ્લૅન્ડની ટીમના કોચ છે.

થ્રી લાયન્સ તરીકે ઓળખાતી ઇંગ્લૅન્ડની ટીમ પણ કંઈ કમ નથી. છેલ્લે બંને ટીમ વચ્ચે (2018ની સાલમાં) થયેલા મુકાબલામાં ઇંગ્લેન્ડે 3-2થી આંચકો આપ્યો હતો એ સ્પેનના ખેલાડીઓને યાદ હશે જ.

જોકે હેડ-ટુ-હેડ મુકાબલાઓમાં સ્પેનનો હાથ ઉપર છે. બંને દેશ કુલ 27 વખત સામસામે આવ્યા છે જેમાંથી 14 મૅચમાં સ્પેનનો અને 10 મૅચમાં ઇંગ્લૅન્ડનો વિજય થયો છે. ત્રણ મુકાબલા ડ્રો રહ્યા છે.

ઇંગ્લૅન્ડના પ્લેયર બુકૅયો સાકા તથા હૅરી કેન અને સ્પેનના ડાની ઑલ્મો પર સૌ કોઈની નજર રહેશે. હૅરી અને ડાની, બંનેએ આ યુરોમાં હાઈએસ્ટ ચાર-ચાર ગોલ કર્યા છે.

બે ફાઇનલિસ્ટ ટીમના સંભવિત 11 ખેલાડીઓમાં કોણ-કોણ?

સ્પેન: સિમોન, કાર્વાયલ, લી નોર્મન્ડ, લાપોર્ટે, કુકુરેલા, રુઈઝ, રૉડ્રી, ઑલ્મો, યમાલ, મૉરાટા, વિલિયમ્સ.

ઇંગ્લૅન્ડ: પિકફર્ડ, વૉકર, સ્ટોન્સ, ગેહી, સાકા, મેઈનૂ, રાઈસ, શૉ, બેલિંગમ, ફૉડેન, હૅરી કેન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button