યુરો ફૂટબૉલમાં ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ત્રીજા સ્થાન માટે મૅચ કેમ નહીં?
બર્લિન: યુરો-2024માં બંને સેમિ ફાઇનલ મૅચ રમાઈ ગયા પછી હવે રવિવારની ફાઇનલ પહેલાં ત્રીજા સ્થાન માટે મૅચ રમાશે એવી ઘણા ફૂટબૉલ પ્રેમીઓને આશા હશે, પરંતુ એ મૅચ નથી રમાવાની. હવે સીધી ફાઈનલ જ રમાશે.
સ્પેને સેમિ ફાઈનલમાં હરાવી ફ્રાન્સને સ્પર્ધાની બહાર કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બુધવારે ઇંગ્લૅન્ડે નેધરલૅન્ડ્સને આઉટ કરીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ઘણાને આશા હશે કે ફ્રાન્સ (France) તથા નેધરલૅન્ડ્સ (Netherlands) વચ્ચે ત્રીજા સ્થાન માટે મુકાબલો થશે. જોકે એ મૅચ રમાવાની જ નથી.
સામાન્ય રીતે મોટી ફૂટબૉલ સ્પર્ધાની સેમિ ફાઇનલમાં હારી જનારી બે ટીમ વચ્ચે ત્રીજા સ્થાન માટે મુકાબલો થતો હોય છે. જોકે યુરો સ્પર્ધામાં ત્રીજા સ્થાનની મૅચ રાખવાની પ્રથા થોડા વર્ષો પહેલાં જ કાઢી નાખવામાં આવી હતી.
ફિફા વર્લ્ડ કપમાં અને અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ચેમ્પિયનશિપમાં પણ ત્રીજા સ્થાન માટે મૅચ રાખવામાં આવતી હોય છે. જોકે યુરોમાં છેલ્લે 1980માં થર્ડ-પ્લેસ માટેની મૅચ રખાઈ હતી. ત્યાર પછી ફોર્મેટ બદલવામાં આવ્યું અને યુરોમાં 44 વર્ષથી ત્રીજા સ્થાન માટેની મૅચ નથી રાખવામાં આવતી.
છેલ્લે 1980ના યુરોમાં બીજા ચોથા સ્થાન માટે જે મેચ રમાઈ હતી એમાં ચેકૉસ્લોવાકિયાએ ઇટલીને 1-1ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 9-8થી હરાવ્યું હતું.