અન્ડર-19 વર્લ્ડ કપના થ્રિલરમાં પાકિસ્તાન પરાસ્ત, ઑસ્ટ્રેલિયા રવિવારે ભારત સામે રમશે ફાઇનલમાં

બેનોની: અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલી જ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની સંભાવના પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. ગુરુવારની બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં માત્ર એક વિકેટના તફાવતથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને પાકિસ્તાની ખેલાડીઓનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. રવિવારે (બપોરે 1.30 વાગ્યાથી) બેનોનીમાં જ ફાઇનલ રમાશે જેમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર મુકાબલો થશે.
નવેમ્બરમાં અમદાવાદમાં સિનિયર ક્રિકેટ ખેલાડીઓના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ છ વિકેટે જીતીને ભારતની વિજયીકૂચ અટકાવી દીધી હતી. ભારતીય ખેલાડીઓએ જ એમાં નબળું પર્ફોર્મ કરીને કરોડો ચાહકોના હાર્ટ-બ્રેક કર્યા હતા, પણ હવે રવિવારે ઉદય સહારનના સુકાનમાં ભારતીય ટીમ એ આઘાતનો બદલો ઑસ્ટ્રેલિયાની સમોવડી જુનિયર ટીમને ફાઇનલમાં હરાવીને લઈ શકશે. હ્યુ વિબ્ગેન ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન છે અને તેના સુકાનમાં ગુરુવારે ઑસ્ટ્રેલિયાએ 180 રનનો લક્ષ્યાંક 49.1 ઓવરમાં (પાંચ બૉલ બાકી રાખીને) 181/9ના સ્કોર સાથે મેળવી લીધો હતો. પાકિસ્તાનને જીતવાની સારી તક હતી, કારણકે અલી રઝાની 46મી ઓવરમાં ચાર બૉલમાં બે વિકેટ પડતાં સ્કોર 164/9 હતો. જોકે રૅફ મૅકમિલન (29 બૉલમાં 19 અણનમ) તથા કૅલમ વિદિયર (નવ બૉલમાં બે રન)ની જોડીએ છેલ્લી વિકેટ માટે 17 રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી. ઓપનર હૅરી ડિક્સનના 50 રન ટીમમાં હાઈએસ્ટ હતા. જોકે ઑસ્ટ્રેલિયાનો પેસ બોલર ટૉમ સ્ટ્રેકર આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે માત્ર 24 રનમાં પાકિસ્તાનની છ વિકેટ લીધી હતી. સાદ બેગના સુકાનમાં પાકિસ્તાનની ટીમ બે હાફ સેન્ચુરીની મદદથી 179 રન બનાવી શકી હતી. સ્ટ્રેકરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ભારતીય ટીમ હવે સ્ટ્રેકરની બોલિંગનો તેમ જ આખી ઑસ્ટ્રેલિયન ટીમનો વીડિયો જોઈ જશે કે જેથી રવિવારની ફાઇનલમાં તેમને નમાવીને છઠ્ઠી ટ્રોફી જીતી શકાય. ભારત બુધવારે સાઉથ આફ્રિકાને સેમિ ફાઇનલમાં બે વિકેટે હરાવીને નવમી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું.