અન્ડર-19 વર્લ્ડ કપ: આયરલૅન્ડ અને સાઉથ આફ્રિકાએ વિજયી શ્રીગણેશ કર્યાં, આજે ભારતની પ્રથમ મૅચ

બ્લોમફોન્ટેન: અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ગઈ કાલે પ્રથમ દિવસે આયરલૅન્ડે અમેરિકાને 163 બૉલ બાકી રાખીને 7 વિકેટના માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. અમેરિકાએ બૅટિંગ મળ્યા પછી 105 રન બનાવ્યા હતા જેમાં ભારતીય મૂળના ખેલાડી ખુશ ભલાલાના અણનમ બાવીસ રન સૌથી વધુ હતા. આયરલૅન્ડના રુબેન વિલ્સન અને ઑલિવર રિલીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આયરલૅન્ડે 22.5 ઓવરમાં ત્રણ વિકેટે 109 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. વિકેટકીપર રાયન હન્ટરે અણનમ 50 રન બનાવ્યા હતા.
સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતનાર ભારતનો આજે બાંગલાદેશ સામે (બપોરે 1.30 વાગ્યાથી) મુકાબલો છે. એ ઉપરાંત, અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે તેમ જ ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડ વચ્ચે પણ ટક્કર થશે.
યજમાન સાઉથ આફ્રિકાએ 9 વિકેટે 285 રન બનાવ્યા ત્યાર પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વિકેટકીપર જ્વેલ ઍન્ડ્રયુના 96 બૉલમાં બનેલા 130 રન છતાં હારી ગઈ હતી. ક્વેના મફાકાએ સૌથી વધુ પાંચ વિકેટ અને રિલી નૉર્ટને ત્રણ વિકેટ લીધી હતી. કૅરિબિયન ટીમે જોરદાર વળતી લડત આપી હતી, પરંતુ 254મા રને છેલ્લી વિકેટ પડતાં યજમાન ટીમનો 31 રનથી વિજય થયો હતો. સાઉથ આફ્રિકાના સાત બોલરના આક્રમણ સામે કૅરિબિયન ટીમે છેવટે પરાજય સ્વીકારી લેવો પડ્યો હતો.