સ્પોર્ટસ

53 વર્ષ પછી પહેલી વાર એક જ રાજ્યની બે ટીમ રણજી ટ્રોફીની ફાઇનલમાં

મુંબઈ: રણજી ટ્રોફીના 90 વર્ષના ઇતિહાસમાં મુંબઈ સૌથી વધુ 41 વખત અને વિદર્ભ બે વાર ચૅમ્પિયન બન્યું છે. 2017-’18માં વિદર્ભ પહેલી વાર વિજેતા બનેલું ત્યારે મુંબઈની ટીમ એ સીઝનમાં સેમિ ફાઇનલમાં પણ નહોતી પહોંચી શકી અને 2018-’19માં વિદર્ભ ફરી ચૅમ્પિયન બન્યું એ સીઝનમાં મુંબઈની લીગ રાઉન્ડમાં જ બાદબાકી થઈ ગઈ હતી. આ વખતે સમીકરણ સાવ જૂદું અને ઐતિહાસિક છે.

નવાઈની વાત એ છે કે આ વખતની રણજી ટ્રોફીમાં મુંબઈ અને વિદર્ભની ટીમ પહેલી વાર સામસામે આવી છે. એનાથી પણ વિશેષ બાબત એ છે કે ઇતિહાસનું 53 વર્ષે પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. 1971 પછી પહેલી વખત એક જ રાજ્યની બે ટીમ રણજી ટ્રોફીની ફાઇનલમાં આમનેસામને આવી છે. આ પહેલાં એક જ વખત આવું બન્યું હતું જેમાં બૉમ્બે અને મહારાષ્ટ્રની ટીમ સામસામે આવી હતી. બૉમ્બેની ટીમે ફાઇનલમાં મહારાષ્ટ્રને હરાવ્યું હતું.

અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં મુંબઈએ આ વખતે સેમિ ફાઇનલમાં તામિલનાડુને એક ઇનિંગ્સ અને 70 રનથી હરાવીને અને અક્ષય વાડકરના સુકાનમાં વિદર્ભએ મધ્ય પ્રદેશને 62 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે.

બુધવારે બીજી સેમિ ફાઇનલમાં વિદર્ભને માત્ર ચાર વિકેટની જરૂર હતી. 321 રનના લક્ષ્યાંક સામે મધ્ય પ્રદેશનો સ્કોર છ વિકેટે 228 રન હતો. મધ્ય પ્રદેશની ટીમ બીજા ફક્ત 20 રન બનાવી શકી અને 258 રનના સ્કોર પર એનો દાવ સમેટાઈ ગયો અને વિદર્ભએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. વિદર્ભના યશ ઠાકુર અને અક્ષય વખારેએ ત્રણ-ત્રણ વિકેટ તેમ જ આદિત્ય સરવટે અને આદિત્ય ઠાકરેએ બે-બે વિકેટ લીધી હતી. મંગળવારે બીજા દાવમાં 141 રન બનાવીને વિદર્ભ માટે જીતનો પાયો નાખનાર યશ રાઠોડને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

મધ્ય પ્રદેશના ઓપનર યશ દુબેએ બીજા દાવમાં 94 રન બનાવ્યા હતા, પરંતુ તેની એ લડાયક ઇનિંગ્સ એળે ગઈ. રજત પાટીદાર મધ્ય પ્રદેશના મુખ્ય બૅટર્સમાં ગણાય છે, પણ તે ભારત વતી ટેસ્ટ-સિરીઝમાં રમી રહ્યો હોવાથી મધ્ય પ્રદેશની ટીમને તેની ખોટ વર્તાઈ હતી. પાટીદાર ત્રણ ટેસ્ટમાં સદંતર ફ્લૉપ ગયો અને બીજી તરફ તેની ગેરહાજરીમાં મધ્ય પ્રદેશની ટીમ ફાઇનલના પ્રવેશથી વંચિત રહી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button