બે સ્પિનર અને બે બૅટરે સૌરાષ્ટ્રને જીતવાનો મોકો અપાવ્યો
મુંબઈને છત્તીસગઢ સામે એક રનની લીડ મળી, ગુજરાતને જીતવાની સુવર્ણ તક
જયપુર: રાજસ્થાન સામે સૌરાષ્ટ્રને રણજી મૅચમાં ચોથા અને છેલ્લા દિવસે જીતવાનો મોકો છે. પ્રથમ દાવમાં 71 રનની લીડ લીધા પછી રવિવારના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રએ સેક્ધડ ઇનિંગ્સમાં ચાર વિકેટે 174 રન બનાવ્યા હતા અને સરસાઈ સાથે એના 245 રન હતા.
ચેતેશ્વર પૂજારા પ્રથમ દાવના 110 રન બાદ બીજા દાવમાં પચીસ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ પહેલા દાવના બીજા સેન્ચુરિયન શેલ્ડન જૅક્સન (48 રન નૉટઆઉટ) અને અર્પિત વસાવડા (53 નૉટઆઉટ) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 100 રનની અતૂટ ભાગીદારીએ સૌરાષ્ટ્રને જીતવાની આશા અપાવી હતી.
એ પહેલાં, રાજસ્થાન પ્રથમ દાવમાં 257 રન બનાવી શક્યું એનું કારણ એ હતું કે સૌરાષ્ટ્રના બે સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા (99 રનમાં પાંચ) અને યુવરાજસિંહ ડોડિયા (88 રનમાં ચાર)ની જોડીએ દસમાંથી નવ વિકેટ લઈને રાજસ્થાનના બૅટર્સને સરસાઈ નહોતા લેવા દીધા. એક વિકેટ કૅપ્ટન જયદેવ ઉનડકટે લીધી હતી.
રાયપુરમાં અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમ છત્તીસગઢ સામે માત્ર એક રનની સરસાઈ લેવામાં સફળ થઈ હતી. મુંબઈના પ્રથમ દાવના 351 રનના જવાબમાં છત્તીસગઢ તુષાર દેશપાંડેની પાંચ વિકેટને કારણે 350 રન બનાવી શક્યું હતું. શમ્સ મુલાની અને રૉયસ્ટન દાસે બે-બે વિકેટ લીધી હતી. બીજા દાવમાં મુંબઈએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં એક વિકેટે 97 રન બનાવ્યા હતા અને લીડ સહિત એના 98 રન હતા.
મોહાલીમાં ગુજરાતે બીજો દાવ 8 વિકેટે બનેલા 290 રનના સ્કોર પર ડિક્લેર કરીને પંજાબને 411 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ પંજાબે બીજા દાવમાં 40 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ચારમાંથી ત્રણ વિકેટ પ્રિયજીતસિંહ જાડેજાએ લીધી હતી. પહેલા દાવમાં તેણે પાંચ વિકેટ લીધી હતી. સોમવારના છેલ્લા દિવસે ગુજરાત પહેલા એક કે બે સત્રમાં જ જીતી શકે એમ છે.
ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે બરોડાની ટીમ મુશ્કેલીમાં હતી. મધ્ય પ્રદેશેે પ્રથમ દાવમાં 454 રન બનાવ્યા પછી બરોડા 132 રનમાં આઉટ થઈ જતાં ફૉલો-ઑન થયું હતું, પરંતુ બીજા દાવમાં બરોડાએ ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા અને મધ્ય પ્રદેશની ટીમ હજી 121 રનથી આગળ હતી.