સ્પોર્ટસ

બે દિવસમાં બે ઑસ્ટ્રેલિયન બૅટરે લીધી નિવૃત્તિ

પર્થ: બધા જાણે છે કે હમણાં તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને પ્રોફેશનલ લીગ ટુર્નામેન્ટોમાં રમવા માટેનો માર્ગ મોકળો કરી દેવાની મોસમ ચાલી રહી છે. જોકે ઑસ્ટ્રેલિયાના બે જાણીતા બૅટર એવા છે જેમણે છેલ્લા બે દિવસ દરમ્યાન પ્રોફેશનલ ક્રિકેટમાંથી વારાફરતી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.

37 વર્ષના ઍરોન ફિન્ચે શનિવારે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ટી-20ના લેજન્ડ તરીકે ઓળખાતો ફિન્ચ આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાં 10,000-પ્લસ રન બનાવી ચૂકેલાઓમાંનો એક છે.11,458 રન સાથે તે આ બહુમૂલ્ય યાદીમાં સાતમા સ્થાને અને ઑસ્ટ્રેલિયનોમાં સેક્ધડ-હાઇએસ્ટ છે. તેના દેશના ક્રિકેટર્સમાંથી માત્ર ડેવિડ વૉર્નર (11,732) તેનાથી આગળ છે.

ટી-20માં ફિન્ચની કુલ આઠ સેન્ચુરી કરતાં ફક્ત બે બૅટર આગળ છે. ક્રિસ ગેઇલના નામે બાવીસ અને બાબર આઝમના નામે દસ સદી છે. ફિન્ચ માટે ટી-20માં 2012થી 2018 સુધીનો સમયગાળો સૌથી સારો હતો.

ફિન્ચ ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં મેલબર્ન રેનેગેડ્સ વતી રમ્યો છે અને હવે એ જ ટીમના તેના સાથી ખેલાડી તેમ જ માર્શ બંધુઓમાંના મોટા ભાઈ 40 વર્ષીય શૉન માર્શે પણ પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. બુધવારે તે મેલબર્ન રેનેગેડ્સ વતી છેલ્લી મૅચ રમીને વ્યાવસાયિક ક્રિકેટને અલવિદા કરશે.

શૉન માર્શે ટી-20 ક્રિકેટમાં 128.53ના સ્ટ્રાઇક-રેટ સાથે અને 37.90ની ઍવરેજે કુલ 7050 રન બનાવ્યા છે. તેણે એમાંથી 2477 રન આઇપીએલમાં પંજાબની ટીમ વતી રમીને બનાવ્યા હતા. બિગ બૅશના ઑલ-ટાઇમ ટૉપ-સ્કોરરમાં શૉન માર્શ 2810 રન સાથે છઠ્ઠા નંબરે છે. ક્રિસ લીન 3725 રન સાથે મોખરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button