મુંબઈને રણજી ટાઇટલ અપાવનાર બોલરે લંડનમાં પગની ઘૂંટીમાં કરાવી સર્જરી…
મુંબઈ: મુંબઈને આ વર્ષે રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવવામાં મોટું યોગદાન આપનાર પેસ બોલર તુષાર દેશપાંડેએ લંડનમાં પગની ઘૂંટીમાં ઑપરેશન કરાવ્યું છે.
આ પણ વાંચો :ચેન્નઇ સુપર કિંગ્સના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ કર્યાં લગ્ન
29 વર્ષનો રાઇટ-આર્મ પેસ બોલર ભારત વતી બે ટી-20 રમ્યો છે. આઈપીએલમાં તે ચેન્નઈ અને દિલ્હી વતી રમ્યો છે.
તે ઘૂંટીની ઈજાને કારણે તાજેતરમાં દુલીપ ટ્રોફીમાં બીજા રાઉન્ડની મૅચ નહોતો રમ્યો.
તેણે મંગળવારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા પોતાની સર્જરી વિશેની જાણકારી આપી હતી. આ ઑપરેશનને કારણે તેને મુંબઈની આગામી રણજી સીઝન માટેની 30 ખેલાડીની સ્ક્વૉડમાં નથી સમાવવામાં આવ્યો.
તુષારે પોસ્ટમાં જણાવ્યું, ‘સોમવારે મેં ઘૂંટીમાં સર્જરી કરાવી અને હવે મને પગમાં ઘણું સારું છે. ઘણા સમયથી ઘૂંટીમાં વારંવાર દુખાવો થતો હતો, જોકે હવે ઘણી રાહત થઈ છે. હું શુભેચ્છા બદલ મારા પરિવારજનો, મિત્રો અને ચાહકોનો આભાર માનું છું.’
તુષારે પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે ‘આ ઑપરેશન પછી હું વધુ સારું પર્ફોર્મ કરી શકીશ.’
2023-’24ની રણજી સીઝનમાં પાંચ મૅચમાં 15 વિકેટ લીધી હતી અને મુંબઈને 43મું રણજી ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તુષારે 36 ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં કુલ 97 વિકેટ લીધી છે.
મુંબઈ 11મી ઑક્ટોબરે નવી રણજી સીઝનની શરૂઆત બરોડા સામેની મૅચથી કરશે. આ મૅચ વડોદરામાં રમાશે.