સ્પોર્ટસ

અધધધ…તૂર્કિયેમાં સટ્ટાકાંડ બદલ 1,024 ફૂટબૉલ ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા!

ઇસ્તંબુલઃ સટ્ટો (Betting) ઘણી રમતોમાં થતો હોય છે, પરંતુ એના કાંડમાં સામેલ હોવા બદલ સામાન્ય રીતે બે-પાંચ, પચાસ કે 100 ખેલાડીઓ સામે પગલાં ભરવામાં આવ્યા હોય એવું અગાઉ સાંભળ્યું છે, પરંતુ તુર્કિયે (Turkiye)માં જે બની ગયું એ તો ગજબ કહેવાય.

મધ્ય પૂર્વના આ દેશમાં એકસાથે 1,024 ફૂટબૉલ ખેલાડીઓને સટ્ટા કાંડમાં સામેલ હોવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમાં રાષ્ટ્રીય ટીમના ખેલાડી એરેન એલ્માલી (Elmali)નો પણ સમાવેશ છે. 150 જેટલા રેફરીઓની પણ સટ્ટાકાંડમાં ભૂમિકા હોવાનું મનાય છે.

પચીસ વર્ષનો એરેન એલ્માલી તૂર્કિયે ટીમનો ડિફેન્ડર છે. 2026ના ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં તૂર્કિયેની આગામી બે મૅચ સ્પેન અને બલ્ગેરિયા સામે રમાવાની છે અને એ માટે તૈયારી કરી રહેલી તૂર્કિયેની ટીમમાંથી એલ્માલીને કાઢી મૂકવામાં આવ્યો છે.

આપણ વાચો: India vs Qatar Football Highlights: કતારના વિવાદાસ્પદ ગોલને કારણે ભારત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર; WATCH

એલ્માલી ચૅમ્પિયન્સ લીગમાં ગૅલટેસરાય નામની ટીમ વતી રમે છે. આ ટીમ ગયા વર્ષે દેશની સુપર લીગમાં ચૅમ્પિયન બની હતી. એલ્માલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ` હું ગૅલટેસરાય ટીમ વતી આ વર્ષથી જ રમું છું. હા, હું પાંચ વર્ષ પહેલાં એક મૅચ પર સટ્ટો જરૂર રમ્યો હતો, પરંતુ ત્યારે હું આ ટીમમાં હતો જ નહીં.’

તૂર્કિયેના ફૂટબૉલ ફેડરેશને એલ્માલી ઉપરાંત ગૅલટેસરાય ટીમના બીજા ખેલાડી મેટહૅન બાલ્ટાચીને પણ સસ્પેન્ડ કર્યો છે. ફેડરેશને દેશના ફૂટબૉલ ક્ષેત્રમાં ત્રીજા અને ચોથા ડિવિઝનને હાલપૂરતા બંધ કરી દીધા છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button