ટ્રમ્પ ન્યૂ યોર્કમાં ટેરિફમાંથી બ્રેક લઈને ટેનિસ માણવા લાગ્યા!
અમેરિકી પ્રમુખે મોંમાં ટેબ્લેટ રાખીને ફાઈનલ માણી: સિનરને હરાવી અલ્કરાઝ ફરી ચેમ્પિયન અને નંબર-વન

ન્યૂ યોર્ક: ભારત સહિત અનેક દેશો પર ટેરિફના વાર કરીને બદનામ થઈ ગયેલા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ફૂટબૉલ અને રબ્બી ઉપરાંત ટેનિસની રમતનો પણ જબરો ક્રેઝ છે અને એની ઝલક તેમણે રવિવારે અહીં યુએસ ઓપન ફાઈનલ દરમ્યાન બતાવી હતી.
ટ્રમ્પ અચાનક જ સ્પેનના કાર્લોસ અલ્કરાઝ (Carlos Alcaraz) અને ઈટલીના યાનિક સિનર (Jannik Sinner) વચ્ચેની ફાઇનલ જોવા આર્થર ઍશ સ્ટેડિયમમાં આવ્યા હતા.
ચેમ્પિયન અલ્કરાઝ ફરી નંબર વન બન્યો
ફાઇનલમાં અલ્કરાઝે સિનરને 6-2, 3-6, 6-1, 6-4થી હરાવી દીધો હતો. બાવીસ વર્ષના અલ્કરાઝે બીજી વખત યુએસ ઓપન (US OPEN)નું સિંગલ્સનું ટાઈટલ જીતી લીધું છે. આ તેનું કુલ છઠ્ઠુ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ છે.
આ પહેલાં તે 2022માં 19 વર્ષની ઉંમરે આ ટાઈટલ જીત્યો હતો. અલ્કરાઝે સિનરને માત આપીને તેના કબજામાંથી નંબર-વનની રેન્ક પણ આંચકી લીધી છે. સિનર એક વર્ષથી ટેનિસમાં નંબર વન હતો.
ટ્રમ્પના દાંત વચ્ચે ટેબ્લેટ
વિશ્વના બંને ટોચના ટેનિસ ખેલાડીઓ વચ્ચેની રોમાંચક ફાઈનલ દરમ્યાન વીવીઆઈપી સ્ટેન્ડમાં બેઠેલા 79 વર્ષના ડૉનલ્ડ ટ્રમ્પના મોંમાં એક તબક્કે દવાની ગોળી જોવા મળી હતી.
તેઓ થોડી વાર સુધી દાંતની વચ્ચે એ ગોળી રાખીને બેઠા હતા. આંદ્રેસ કુડૅકી નામના ટેનિસપ્રેમીએ ટ્રમ્પનો આ ફોટો પાડ્યો હતો અને આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ટ્રમ્પના દાંત વચ્ચેની ગોળી વિશે અટકળો
ટ્રમ્પે દાંત વચ્ચે ભરાવેલી આ ગોળી કઈ બીમારીની હતી એની ચર્ચા થવા લાગી છે. વાઈટ હાઉસમાંથી મળેલી જાણકારી મુજબ ટ્રમ્પ એસ્પીરિન લેતા હોય છે એટલે આ ગોળી એ જ હશે.
કેટલાકના મતે ટ્રમ્પના મોંમાં જે ગોળી હતી એ પિપરમીન્ટ હશે. કેટલાકનું માનવું છે કે એ સુગર ફ્રી મીન્ટ હશે.
ટ્રમ્પનું ન્યૂ યોર્કના સ્ટેડિયમમાં આગમન થવાનું હતું એ અરસામાં ફાઈનલ 30 મિનિટ મોડી શરૂ કરવામાં આવી હતી. ટ્રમ્પ આવ્યા ત્યારે કેટલાક પ્રેક્ષકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો તો અમુક વર્ગના પ્રેક્ષકોએ તેમને આવકાર્યા હતા.
આ પણ વાંચો…સબાલેન્કા સતત બીજું યુએસ ટાઇટલ જીતનારી સેરેના પછીની બીજી ખેલાડી