4, 4, 6, 6, 6, 4: સૅમ કરૅન માટે ટ્રેવિસ હેડ બન્યો હૅડેક…
ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટી-20 ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે જીતી લીધી

સાઉધમ્પ્ટન (ઇંગ્લૅન્ડ): ઑસ્ટ્રેલિયાએ બુધવારે કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ધમાકેદાર પર્ફોર્મન્સીસ સાથે વિજયી શરૂઆત કરી હતી. ઓપનર ટ્રેવિસ હેડ (59 રન, 23 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) આ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે એક તબક્કે બ્રિટિશ પેસ બોલર સૅમ કરૅનની ઓવરમાં (4, 4, 6, 6, 6, 4) કુલ 30 રન ફટકાર્યા હતા.
તેની એ ફટકાબાજીથી ઑસ્ટ્રેલિયાનો સ્કોર 41/0થી 71/0 ઉપર પહોંચી ગયો હતો. હેડે 19 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાને બૅટિંગ મળી ત્યાર બાદ એણે જે 179 રન બનાવ્યા એમાં હેડ ઉપરાંત મૅથ્યૂ શોર્ટ (41 રન) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (37 રન)ના પણ મહત્ત્વના યોગદાન હતા. બ્રિટનના લિવિંગસ્ટને ત્રણ તેમ જ આર્ચર અને મહમૂદે બે-બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડની ટીમ 19.2 ઓવરમાં 151 રને આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાનો 28 રનથી વિજય થયો હતો. ઑસ્ટ્રેલિયાની બોલિંગમાં શૉન અબૉટ (28 રનમાં ત્રણ), ઍડમ ઝૅમ્પા (20 રનમાં બે), જૉશ હૅઝલવૂડ (32 રનમાં બે)ની મુખ્ય ભૂમિકા હતી.
હવે બીજી ટી-20 શુક્રવારે (ભારતીય સમય મુજબ રાત્રે 11.00 વાગ્યાથી) અને ત્રીજી ટી-20 રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે પાંચ વન-ડે રમાશે.