ટ્રેવિસ હેડ કોવિડ પૉઝિટિવ, બીજી ટેસ્ટમાં રમે પણ ખરો
બ્રિસ્બેન: જૂન 2023માં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં અને નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ભારે પડેલો ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રેવિસ હેડ થોડા દિવસ પહેલાં ઍડિલેઇડમાં પૂરી થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં સેન્ચુરી (119 રન) કરીને વેસ્ટ ઇન્ડિઝને નડ્યો હતો, પણ હવે બીજી ટેસ્ટમાં કૅરિબિયન ખેલાડીઓ રાહતનો શ્વાસ લઈ શકશે. કારણ એ છે કે હેડ કોવિડની બીમારીનો શિકાર થયો છે અને ગુરુવારે બ્રિસ્બેનના ગૅબામાં શરૂ થનારી બીજી મૅચમાં કદાચ નહીં રમે.
ઍડિલેઇડની ટેસ્ટ રમી લીધા પછી તેની તબિયત કોવિડના વાઇરસને કારણે બગડી હતી જેને લીધે તે બ્રિસ્બેન સાથીઓ જોડે આવી નહોતો શક્યો. પૅટ કમિન્સના ખેલાડીઓ મંગળવારે ગૅબામાં પ્રૅકિટસ શરૂ કરશે ત્યારે ટ્રેવિસ હેડ તેના ઘરમાં આઇસૉલેટ થયો હશે. ક્વૉરન્ટીન થયા બાદ તે વહેલાસર સાજો થઈને ટીમ સાથે જોડાવા આતુર હશે, પરંતુ તેનો રિપોર્ટ ફરી પૉઝિટિવ જ આવશે તો ગૅબાની બીજી ટેસ્ટમાં કદાચ તેને રમવા મળે પણ ખરું.
તમે વિચારતા હશો કે આ કઈ રીતે શક્ય છે? ગયા વર્ષે સિડનીમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ પહેલાં મૅટ રેન્શૉ કોવિડ-19નો શિકાર થયો હતો. બધાને લાગતું હતું કે રેન્શૉના બદલે કોણ રમશે? જોકે ખુદ રેન્શૉ જ મેદાન પર આવ્યો હતો. તેને કડક આઇસૉલેશન પ્રૉટોકૉલ હેઠળ રમવાની છૂટ મળી હતી.
ઑગસ્ટ, 2022માં ઑસ્ટ્રેલિયાની મહિલા ઑલરાઉન્ડર તાહલિયા મૅકગ્રા કોવિડ પૉઝિટિવ હોવા છતાં કૉમનવેલ્થ ગેમ્સની મૅચમાં રમી હતી.