ભારતને બૅક-ટુ-બૅક ચૅમ્પિયન બનાવવામાં તૃષા, વૈષ્ણવી, આયુષી અને કમલિનીના સૌથી મોટા યોગદાન
ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપની ટોચની છમાંથી ચાર ખેલાડી ભારતની
ક્વાલાલમ્પુરઃ નિકી પ્રસાદના સુકાનમાં ભારતની અપરાજિત ગર્લ્સ અન્ડર-19 ટી-20 ટીમે રવિવારે અહીં સતત બીજો વર્લ્ડ કપ જીતીને જે નવો ઇતિહાસ રચ્યો એમાં ખાસ કરીને ચાર ખેલાડીઓનો સૌથી મોટો ફાળો હતો. ટોચની ત્રણ બૅટર અને ત્રણ બોલર એમ કુલ મળીને શ્રેષ્ઠ છ પ્લેયરમાંથી ચાર ભારતની હતી.
2023 બાદ હવે 2025માં પણ ભારતની ટીનેજ ખેલાડીઓ ટી-20નો વિશ્વ કપ જીતી છે. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને નવ વિકેટે કચડીને બૅક-ટુ-બૅક ટ્રોફી જીતી લીધી છે. અત્યાર સુધીમાં આ ફૉર્મેટમાં છોકરીઓના માત્ર બે વર્લ્ડ કપ રમાયા છે અને બન્નેની ટ્રોફી પર ભારતનું નામ અંકિત થઈ ગયું છે.
આ પણ વાંચો: ભારતની ઓપનર તૃષાએ અન્ડર-19 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ…
ભારતે આ વખતના વર્લ્ડ કપમાં શરૂઆત કરી ત્યારે ટીમની ખેલાડીઓના નામથી ભાગ્યે જ કોઈ પરિચિત હતું, પરંતુ તેઓ એક પછી એક એમ છ મૅચમાં હરીફ ટીમને કચડીને જીતી ગઈ હતી અને સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં પહોંચી હતી. હવે એ જ અજાણી ભારતીય ખેલાડીઓ હવે વર્લ્ડ ચૅમ્પિયન બની એ સાથે સ્ટાર પ્લેયર બની ગઈ છે. ભારતે માત્ર 83 રનનો લક્ષ્યાંક 11.2 ઓવરમાં 84/1ના સ્કોર સાથે મેળવી લીધો હતો. સેમિ ફાઇનલમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું.
2025ના વિમેન્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપની ટૉપર્સની વિગત આ મુજબ છેઃ બૅટિંગમાં ભારતની ગૉન્ગાડી તૃષા (309 રન) નંબર-વન, ઇંગ્લૅન્ડની ડૅવિના પેરિન (176 રન) નંબર-ટૂ અને ભારતની જી. કમલિની (143 રન) નંબર-થ્રી હતી. બોલિંગમાં ભારતની વૈષ્ણવી શર્મા (17 વિકેટ) નંબર-વન, ભારતની જ આયુષી શુક્લા (14 વિકેટ) નંબર-ટૂ અને સાઉથ આફ્રિકાની કાયલા રેનીકે (11 વિકેટ) નંબર-થ્રી હતી.
આ પણ વાંચો: વાહ વૈષ્ણવી વાહ! પાંચ રનમાં હૅટ-ટ્રિક સહિત લીધી પાંચ વિકેટ
રવિવારની ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમે કાયલા રેનેકીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બોલર્સના આક્રમણ સામે ખુદ તેની ટીમની એક પણ બૅટર પચીસ રન પણ નહોતી બનાવી શકી. મિક વૅન વૂર્સ્ટના 23 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ચાર બૅટર ઝીરોમાં આઉટ થઈ હતી. 10માંથી નવ વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી હતી. લેગ-સ્પિનર ગૉન્ગાડી તૃષાએ ટીમને એક પછી એક બે્રક-થ્રૂ અપાવીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ત્રણ લેફ્ટ-આર્મ સ્પિનર પારુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્મા અને આયુષી શુક્લાએ બે-બે વિકેટ અને પેસ બોલર શબનમ શકીલે એક વિકેટ લીધી હતી.
ભારતે 12મી ઓવરના બીજા જ બૉલ પર 84/1ના સ્કોર સાથે (બાવન બૉલ બાકી રાખીને) ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. તૃષા (44 અણનમ, 33 બૉલ, આઠ ફોર), વાઇસ-કૅપ્ટન સનિકા ચળકે (26 અણનમ, બાવીસ બૉલ, ચાર ફોર)ની જોડીએ 48 રનની અતૂટ ભાગીદારી સાથે ભારતને આસાન વિજય અપાવ્યો હતો. વિકેટકીપર-ઓપનર જી. કમલિની આઠ રન બનાવીને આઉટ થઈ હતી.
તૃષાને અસાધારણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ ફાઇનલનો તેમ જ આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 309 રન બનાવવા ઉપરાંત સાત વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.