
બેન્ગલૂરુ: સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડિકૉકે 30મી માર્ચે લખનઊમાં 38 બૉલમાં 54 રન બનાવીને લખનઊ સુપર જાયન્ટ્સને પંજાબ કિંગ્સ સામે જિતાડ્યું એનાથી પણ ચડિયાતી બૅટિંગ મંગળવારે બેન્ગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામે કરી હતી. ડિકૉકે 56 બૉલમાં પાંચ સિક્સર અને છ ફોરની મદદથી 81 રન બનાવ્યા હતા જેને કારણે લખનઊની ટીમ બેન્ગલૂરુને 182 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શક્યું હતું. જોકે 17મી ઓવર ઇંગ્લૅન્ડના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર રીસ ટૉપ્લીએ કરી હતી અને એમાં તેણે તૂફાની બૅટિંગ કરી રહેલા ડિકૉકને કૅચઆઉટ કરાવીને તેને સેન્ચુરીથી વંચિત રાખ્યો હતો.
જોકે ટૉપ્લીએ લીધેલી વિકેટનો બદલો પછીથી લખનઊના નિકોલસ પૂરને (40 અણનમ, 21 બૉલ, પાંચ સિક્સર, એક ફોર) થોડી વાર પછી લીધો હતો. પૂરને ટૉપ્લીની છેલ્લી (ચોથી) ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી. ટૉપ્લીની એ 19મી ઓવરમાં 20 રન બન્યા હતા.
આ પણ વાંચો : રિયાન પરાગ એટલે યંગ સૂર્યકુમાર: શેન બૉન્ડ
પૂરન ત્યાં સુધી અટક્યો નહોતો. તેણે મોહમ્મદ સિરાજની 20મી ઓવરમાં પણ બૅક-ટુ-બૅક સિક્સર ફટકારી હતી. પૂરને 40માંથી 30 રન છગ્ગાની મદદથી અને બીજા ચાર રન એક ચોક્કા સાથે બનાવ્યા હતા.
પૂરન 14મી ઓવરમાં સ્ટોઇનિસની વિકેટ પડતાં બૅટિંગમાં આવ્યો હતો. 17મી ઓવર ટૉપ્લીએ કરી હતી જેમાં ડિકૉકને તેણે આઉટ કર્યો એના આગલા જ બૉલમાં પૂરનને મોટું જીવતદાન મળ્યું હતું. બેન્ગલૂરુના વિકેટકીપર અનુજ રાવતે પૂરનનો કૅચ છોડ્યો હતો. છેવટે પૂરનને મળેલું એ જીવતદાન બેન્ગલૂરુને ભારે પડ્યું હતું, કારણકે પૂરને ટૂંકી, પણ તૂફાની બૅટિંગમાં પાંચ છગ્ગા અને એક ચોક્કાની મદદથી અણનમ 40 રન ઝૂડી કાઢ્યા હતા. બૅન્ગલૂરુ વતી મૅક્સવેલે સૌથી વધુ બે વિકેટ તેમ જ ટૉપ્લી, યશ દયાલ અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી.